Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગુજરાતમાં મેડિકલ કોલેજ અને તબીબોની સંખ્‍યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદ સોલા સિવિલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય મંત્રીના હસ્‍તે સર્જરી કૌશલ્‍ય માટે નવનિર્મિત સ્‍કીલ લેબ અને હાઈ એન્‍ડ માઈક્રોસ્‍કોપનું લોકાર્પણ- પ્રેકિટકલ હેન્‍ડબુક ઓફ ઈયર સર્જરીનું વિમોચન

(કેતનખત્રી), અમદાવાદઃ આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્‍તે સોલા સિવિલ હોસ્‍પિટલ ખાતે સર્જરી કૌશલ્‍ય માટે નવનિર્મિત સ્‍કીલ લેબ અને હાઇ એન્‍ડ માઇક્રોસ્‍કોપનું લોકાર્પણ તેમજ પ્રેકિટકલ હેન્‍ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન કરવામાં આવ્‍યું હતુ. તેઓએ જણાવેલ  કે, પ્રેકિટકલ હેન્‍ડબૂક ઓફ ટેમ્‍પોરલ બોન્‍ડ અને મિડલ ઈયર કલેફ્‌ટએ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓ માટે એક સર્જીકલ માર્ગદર્શિકા છે જેનો ધ્‍યેય સર્જીકલ પ્રક્રિયાના અનુસરણ અને તેના મહત્‍વની ઊંડાણપૂર્વક સમજૂતી આપવાનો છે. જેનાથી સર્જરી સહજ અને સરળ રીતે કરી શકાશે.

સોલા સિવિલ હોસ્‍પિટલ ખાતે હાઈ એન્‍ડ માઈક્રોસ્‍કોપ કૌશલ્‍ય સર્જરી માટે સ્‍કીલ લેબ અને પ્રેકિટકલ હેન્‍ડ બુક ઓફ ઇયર સર્જરીનું લોકાર્પણ કરતા મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. આજે ભારત વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરીને વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધ્‍યું છે. ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે બહુઆયામી વિકાસ સાધ્‍યો છે. અગાઉ આપણે આરોગ્‍ય ક્ષેત્રે અન્‍ય પાસેથી યંત્રો લાવીને સર્જરી કરતા હતા, જ્‍યારે આજે રાજ્‍ય સરકારના જનહિતલક્ષી અભિગમ અને માળખાકીય સુવિધાઓમાં સતત વિકાસના પરિણામે હોસ્‍પિટલમાં મોંઘાથી મોંઘા ઉપકરણો વિકસાવવામાં આવ્‍યાં છે. આજે ગુજરાતે આરોગ્‍ય સાથે અન્‍ય ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિને વેગ પકડ્‍યો છે.

ઋષિકેશ પટેલે જણાવ્‍યું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્‍યના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્‍ધ બનાવવાના જોયેલા સ્‍વપ્નને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વ હેઠળની સરકાર આગળ વધારી રહી છે. જેના પરિણામે આજે રાજ્‍યમાં ૩૬ મેડિકલ કોલેજ ઉપલબ્‍ધ બનતા ૬૭૦૦ જેટલા અન્‍ડર ગ્રેજ્‍યુએટ એમ.બી.બી.એસ. ડોકટર્સ દર વર્ષે ઉપલબ્‍ધ બનશે. રાજ્‍ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બનાવીને યુ.જી. ઉપરાંત પી.જી. અને સ્‍પેશ્‍યલ ડોકટર્સની સંખ્‍યામાં પણ વધારો કરવાની દિશામાં સતત પ્રયત્‍નશીલ છે.

(4:17 pm IST)