Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ફરીવાર ઘટાડો થયો

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૪, પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૦.૨

અમદાવાદ, તા.૩૦, અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં ફરી એકવાર નજીવો વધારો થયો છે. ઠંડીમાં ઘટાડો થયો છે. આજે અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને રાહત મળી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૪, ગાંધીનગરમાં ૧૦.૨, સુરતમાં ૧૬.૮, અમરેલીમાં ૧૨.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયું હતું. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં તબક્કાવારરીતે વધારો નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગરમાં આજે પારો ૧૩ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી. આજે જે વિસ્તારમાં પારો ૧૧થી નીચે રહ્યો હતો તેમાં ગાંધીનગરમાં ૧૦.૨, નલિયામાં ૧૦.૫નો સમાવેશ થાય છે.  રાજ્યના કેટલાક ભાગોમાં પારો આજે પણ ૧૧થી નીચે પહોંચ્યો હતો. આ તમામ જગ્યાઓએ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં   સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.  બીજી બાજુ સ્થાનિક આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ઘટાડો કે વધારો થશે નહીં. સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે અને તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે ગાંધીનગરમાં ૧૦.૨ અને મહુવામાં ૧૨.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ભાવનગરમાં ૧૫.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

(9:49 pm IST)