Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હવે વાડિયા ગામની મહિલાઓ સેનેટરી પેડ બનાવશે :વિદેશમાં પણ ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચશે

ISO સર્ટિફિકેટ અને અન્ય તમામ કાયદેસર પરવાનગી પણ લેશે

અમદાવાદ : દેહ વ્યાપાર માટે જાણીતા ગુજરાતના વાડિયા ગામની મહિલાઓ હવે સેનેટરી પેડ બનાવશે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા આ સેનિટરી પેડને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વિદેશમાં પણ વેચવામાં આવશે.

દિલ્હી એઇમ્સમાં પીએચડી વિધાર્થી અને ‘નો હેલ્પ ઇઝ ટુ બિગ’ના પ્રેસિડેન્ટ પ્રાચી જૈને જણાવાયું હતું કે અમે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે આ સેનેટરી પેડને વિદેશમાં રહેતા ભારતીયોને ઉપલબ્ધ કરાવીશું. વિદેશમાં રહેતા ભારતીય લોકો ‘મેક ઇન ઇન્ડિયા’ સેન્સથી પ્રોડક્ટ ખરીદે છે. અત્યાર સુધીમાં વાડિયા ગામની મહિલાઓ દ્વારા 40 જેટલા સેનેટરી પેડના પેક બનાવમાં આવ્યા છે.

 પ્રાચી જૈને દિલ્હીથી જણાવ્યું હતું કે વાડિયા ગામમાં પુરુષોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે અને જેથી વધુ મહિલાઓ ખુલ્લીને સામે આવી શકતી નથી. હાલ ગામની 16 મહિલાઓ સેનેટરી પેડ બનાવાનું શીખી રહી છે. અમે તેમને બધો જ મટિરિયલ અને શીખવા માટે ઉપકરણ ઉપલબ્ધ કરાવયે છીએ. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે જે સેનેટરી પેડ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે, તેનો ઉપયોગ તેમના દ્વારા અથવા સંબંધી બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સેનેટરી પેડને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેંચતા પહેલા અમે ISO સર્ટિફિકેટ અને અન્ય તમામ કાયદેસર પરવાનગી અમે લઈશું.

પ્રાચી જૈને વધુમાં જણાવ્યું હતું કે વાડિયામાં ઘણા NGO પહેલાથી જ કામ કરી રહ્યાં છે અને તેમના થકી જ આ બાબતની જાણ થઈ અને આ ગામ વિશે જાણવા મળ્યું. લૉકડાઉનના સમયમાં અમે લોકોને રેશનિંગ કીટ અને ખાવાનું પૂરું પાડ્યું. આ પછી અમે જોયું કે ત્યાં કેટલાક પુરુષો તેમની પત્નીઓને ઢોર માર મારે છે. જેથી અમે મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનો વિચાર આવ્યો.

દિલ્હી એઇમ્સમાં ભણતી હોવાથી કોરોના લૉકડાઉન દરમિયાન દર્દીઓના પરિવારજનોને ફૂટપાથ અને હોટલના વધેલા એંઠવાડ ખાતા જોયા, ત્યારે લાગ્યું કે લોકોની મદદ કરવી જોઈએ.
આ પછી ઘણા મિત્રો સાથે મળીને ‘નો હેલ્પ ઇઝ ટુ બિગ’ નામનું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું જ્યાં લોકો મદદ માંગી અને કરી પણ શકે છે.

તેમણે છેલ્લે ઉમેર્યું કે વાડિયા ગામ સિવાય ગુજરાતના મોટીઝહેર ગામમાં જરૂરિયાતવાળા લોકોને રેશનિંગ અને પ્રાથમિક શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝારખન્ડ, ઉત્તરાખંડ, ઉતર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લોકોને મદદ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

(7:29 pm IST)