Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હિંમતનગર તાલુકાના તેજપુરા ગામની સીમમાંથી ચાર દિવસ પહેલા પસાર થઇ રહેલ કારના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બે શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હિંમતનગર: તાલુકાના તેજપુરા ગામની સીમમાંથી ચાર દિવસ અગાઉ પસાર થઈ રહેલી એક ફોર વ્હિલરના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેમાં બેઠેલા બે જણાને શરીરે ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી એક જણાનું મોત નિપજ્યુ હતું. જે અંગેની ફરીયાદ રવિવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

 દરામલીની માધવકુંજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર જયંતિલાલ પટેલે નોધાવેલી ફરીયાદમાં જણાવાયા મુજબ ગત તા.૨૩ ડીસેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે તેજપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહેલા કાર ના ચાલક સંજયકુમાર ધુળાભાઈ પટેલ પોતાનું ફોર વ્હિલર લઈને જઈ રહ્યા હતા. અને તેમના વાહનમાં મિતેષભાઈ ભગાભાઈ પટેલ તથા મિતેષભાઈ બાબુભાઈ પટેલા પણ હતા. દરમિયાન તેમણે ઓવરટેક કરવાની લાયમાં પોતાનું વાહન તેજગતિએ હંકારતા સંજયકુમાર પટેલે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના લીધે તેમનું વાહન પલ્ટી ખાઈ ગયુ હતું. ત્યારબાદ તેમના વાહનમાં બેઠેલા મિતેષભાઈ ભગાભાઈ પટેલ અને મિતેષભાઈ બાબુભાઈ પટેલને શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જ્યા મિતેષભાઈ ભગાભાઈ પટેલનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યુ હતું. ત્યારબાદ દરામલીના જીતેન્દ્રભાઈ પટેલે વાહનના ચાલક સંજયભાઈ પટેલ વિરૃધ્ધ રવિવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(5:41 pm IST)