Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં છૂટક ડ્રાઇવિંગ કરનાર દિવ્યેશ બારિયાના હાથે સગી જનેતાની હત્યાઃ લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યોઃ મૃતદેહ પાસે ઉભા રહીને ‘ઓમ નમઃ શિવાય’ના જાપ કયા

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં એક પુત્રએ પોતાની માતાની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા માટે પુત્રએ માતાની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોત્રી વિસ્તારના જય અંબે નગરમાં એક માતા-પુત્ર એકલા જ રહેતા હતા. જેમાં 27 વર્ષનો પુત્ર દિવ્યેશ બારિયા છૂટક ડ્રાઈવિંગ કરતો હતો, જ્યારે 50 વર્ષની માતા ભીખીબેન ઘરકામ કરતા હતા. ગઈકાલે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા પર કાચના ટૂકડાથી હુમલો કરી દીધો હતો. જેના કારણે માતા ભીખીબેન ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

માતાની હત્યા બાદ પોતાના ગુના પર પડદો પાડવા પુત્ર દિવ્યેશે ઘરના પાછળના ભાગમાં માતાની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તે માતાની લાશ પાસે ઉભા રહીને દિવ્યેશે ઓમ નમ:શિવાયના જાપ કર્યા હતા.

જો કે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

(5:30 pm IST)