Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

દહેગામમાં નણંદ સાથે ભાભીએ ઝઘડો થતા પોતાની 4 વર્ષ અને 5 મહિનાની 2 પુત્રીઓને નર્મદા કેનાલમાં ફેંકી દીધીઃ મોટી પુત્રીનું મોતઃ નાની પુત્રીની શોધખોળ

ગાંધીનગર: દહેગામમાં એક મહિલાએ પોતાની 4 વર્ષ અને 5 મહિનાની બે બાળકીઓને નર્મદા કેનાલમાં ફેંકી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કેનાલમાંથી મોટી પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે નાની પુત્રીની શોધખોળ ચાલી રહી છે. હાલ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આરોપી માતા શિલ્પાબેન સાસરીમાં હતા, ત્યારે ઘર નજીક એક ચણા વેચવાવાળો આવ્યો હતો. જે જૂના ભંગારના બદલે ચણા વેચી રહ્યો હતો. આથી શિલ્પાબેને પોતાની નણંદ સરોજ પાસે ઘરમાંથી જૂનો ભંગાર કાઢી આપવા જણાવ્યું હતું. જેના પર નણંદ અને ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં નણંદના બોલવાથી માઠુ લાગી આવતા શિલ્પાબેન પોતાની બન્ને દીકરીઓને લઈને ઘરેથી નીકળી ગયા અને કોડદરા ગામ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધી.

બન્ને દીકરીઓને કેનાલમાં ફેંક્યા બાદ શિલ્પાબેને પોલીસ કંટ્રોલરૂમમાં પુત્રીઓના અપહરણની વાર્તા ઘડી નાંખી હતી. શિલ્પાએ પોલીસને જણાવ્યું કે, તે પોતાની પુત્રીઓને લઈને એક ટ્રકમાં જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે તેમને રસ્તામાંથી ઉદારી દીધા અને બન્ને બાળકીઓનું અપહરણ કર્યું. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી અને તાત્કાલીક ટીમોને તપાસ સોંપી દીધી.

જો કે પતિ સિદ્ધરાજને શંકા જતાં તેણે દીકરીઓ વિશે પુછતાં શિલ્પા ભાંગી પડી હતી અને બન્ને દીકરીઓને કેનાલમાં ફેંકવાની વાત કબૂલી હતી. જે બાદ સિદ્ધરાજે પોલીસને ફોન કરતા કાફલો કેનાલ પહોંચ્યો હતો.

બાળકીઓને કેનાલમાં ફેકવાની કબૂલાત બાદ પોલીસે અનેક ટીમોને કેનાલમાં શોધખોળ માટે લગાવી દીધી. આ દરમિયાન સોમવારે સાંજે કડોદરા ગામથી 32 કિમી દૂર 4 વર્ષની મોટી પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 6 મહિનાની બાળકીની હજુ શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:26 pm IST)