Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વાપી DRI દ્વારા ઇમ્પોર્ટેડ કોપર પર 40 કરોડની ડયુટીચોરી કેસમાં પૂણેના બે શખ્શોની ધરપકડ

જૈન તથા જુનેજા નામધારી શકદારોએ વિદેશમાંથી ડયુટી ફ્રી કોપરના જથ્થો મંગાવ્યો હતો

વાપી :વિદેશથી કોપરનો જથ્થો ડયુટી ફ્રી આયાત કરીને સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરીને કુલ ૪૦ કરોડની ડયુટી ચોરી કેસમાં વાપી ડીઆરઆઈની ટીમે પુનાના બે શકદારોની ધરપકડ કરી છે. મોડી સાંજે વાપી કોર્ટમાં બંને શકદારોને રજુ કરતાં હકુમતનો પ્રશ્ન આવતા વાપી ડીઆરઆઈએ બંને શકદારોને સુરતની ઈન્ચાર્જ કોર્ટમાં મોડી રાતે રજુ કરી ૧૪ દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરે તેવી વિગતો સુત્રો પાસેથી સાંપડી છે.

વાપી ડીઆરઆઈની ટીમે આજે મોડી સાંજે રૂ.૪૦ કરોડની ડયુટી ચોરી કેસમાં પુનાના વતની એવા જૈન તથા જુણેજો અટક ધરાવતા બે શકદારોની ધરપકડ કરી હતી. ડીઆરઆઈના વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ મુંબઈના ન્હાવા શેવા બંદરેથી વિદેશથી આયાતી કોપરનો રૂ.૧૭૩ કરોડની કિંમતનો જથ્થા ભરેલા કન્ટેઈનર્સ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એક્સપોર્ટર પેઢીનું રજીસ્ટર્ડ સરનામું સુરત ખાતેનું હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ મહારાષ્ટ્રના પુનાના વતની એવા જૈન તથા જુનેજા નામધારી શકદારોએ વિદેશમાંથી ડયુટી ફ્રી કોપરના જથ્થો મંગાવવામાં આવ્યા હતા. જે આયાતી કોપરના જથ્થા પર પ્રોસેસ કરીને વિદેશમાં નિકાસ કરવાને બદલે બંને શકદારો દ્વારા સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યુ છે. જેથી કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝની જોગવાઈનો ભંગ કરીને અંદાજે રૂ.૪૦ કરોડના આયાતી કોપરની ડયુટી ચોરીના કેસમાં બંને શકદારોની વાપી ડીઆરઆઈએ ધરપકડ કરી છે

(1:53 pm IST)