Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

RTE કાર્યકરને હત્યાની દહેશત : સોગંદનામુ સોંપ્યું

પોતાની હત્યા થશે તેવો ભય વ્યકત કરી સોગંદનામું : કિશોર નથવાણીએ મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી સહિતના સત્તાવાળાઓને સોગંદનામું પાઠવીને જોખમની વાત કરી

અમદાવાદ, તા.૨૮: પાવાગઢ ખાતે લોકોની સુવિધા માટે કરવામાં આવતા વિકાસ કામમાં યાત્રાધામ વિકાસ બોર્ડના નામે થતો ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ કિશોરભાઈ નથવાણીએ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી છે. જે અંતર્ગત તેમણે ૮ વ્યક્તિઓના નામ સાથેનું સોગંદનામું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના ગૃહમંત્રી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને એસીબીના વડાને મોકલ્યું છે. કિશોર નથવાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી સહિતના સત્તાવાળાઓને સોગંદનામું પાઠવી તેના માથે જાનનું જોખમ હોવાની દહેશત વ્યકત કરી છે. જેને લઇ ભારે ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ અધિકારી અનિલ પટેલ અને કિશોરભાઈની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ અનિલ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે કિશોરભાઈ નથવાણીએ કરેલા સોગંદનામાંને લઈને રાજ્યમાં ભ્રષ્ટાચાર કરનારને બદલે તેની પોલ ખોલનારને સજા મળતી હોવાની ચર્ચા લોકોમાં હવે જોરશોરથી ઉઠવા પામી છે. કિશોરભાઈ નથવાણીએ બે દિવસ પહેલા મિડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢમાં ૧૧૦ કરોડની બાંધકામની કામગીરી ચાલે છે. જેમાં કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ અને યાત્રાધામના ટ્રસ્ટી પરેશ પટેલ દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી ૧૦૦ થી ૧૨૫ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમજ રાજ્યવ્યાપી રીતે બે થી અઢી હજાર કરોડનું આ સમગ્ર કૌભાંડ હોવાની શક્યતા દર્શાવી હતી. સમગ્ર મામલે ઉંડી તપાસ થાય તો નેતાઓ, અને અધિકારીઓ સહિત પદાધિકારીઓના નામ ખુલવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, કરોડોના આ કૌભાંડ મામલે સરકાર તપાસ નહીં કરે તો  ના છૂટકે મારે જાહેર હિતની અરજી કરવી પડશે.  ઉપરાંત પાવાગઢની સાથે દ્વારકા, મહેસાણાનું બહુચરાજી મંદિરના કામમાં પણ મોટા કૌભાંડ થયાનું ખુદ સંયુક્ત સચિવ રહી ચૂકેલા અનિલ પટેલે તેની સાથેનીવાતચીતમાં કહ્યું હોવાનું જણાવ્યું હતું અને આ અંગે વાયરલ થયેલી ઓડીયોક્લિપ સાચી હોવાનો અને અનિલ પટેલેનિખાલસતાથી પોતાની સાથે વાત કરી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઓડિયોક્લિપને લઇ રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા ત્યારે હવે આરટીઆઇ એકટીવીસ્ટ કિશોર નથવાણીએ તેમની હત્યા કરી નંખાશે તેવી દહેશત વ્યકત કરતું સોગંદનામું મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને પાઠવાતાં સમગ્ર મામલો ગરમાયો છે.

(8:59 am IST)