Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રિવરફ્રન્ટ ખાતે જીગરા બેન્ડે જોરદાર આકર્ષણ જમાવ્યું છે

હસ્તકળા મેળાનું પણ આકર્ષણ : દેવાંગ પટેલના પર્ફોમન્સે લોકોને જકડી રાખ્યો : અવનવા કાર્યક્રમોની વણઝાર રહી

અમદાવાદ, તા.૨૯, અમદાવાદ શહેરમાં સતત ૧૦ મા વર્ષે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલના વિવિધ કાર્યક્રમો માણવા શહેરીજનોએ સતત પાંચમા   દિવસે પણ ઘણી મોટી સંખ્યામા મુલાકાત લઈ અવનવા કાર્યક્રમોની મજા માણી હતી આ સાથે જ સાબરમતી રિવરફ્રંટ પર જીગરદાન ગઢવીનો જીગરા બેન્ડ કાર્યક્રમ યોજાયો હતો એમા પણ શહેરીજનોએ ભારે ઉત્સુકતા દર્શાવી હતી.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં સતત દસમા વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ છે.આ કાર્નિવલમાં પાંચમા  દિવસે આયોજિત કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેમાં પપેટ શો,બાળનગરી શીર્ષક હેઠળ બાળકોને ઉપયોગી જ્ઞાન અને મનોરંજન પુરુ પાડે એવા કાર્યક્રમોને નિહાળવા સવારથી બાળકો તેમના વાલીઓ કે પરિવાર સાથે મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત લેક પરિસરમાં  અલગ અલગ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે આ પ્રકારના કેમ્પમાં પણ સેવૈચ્છીક રકતદાન માટે મોટી સંખ્યામાં શહેરીજનો રકતદાન કરી રહ્યા છે.કાંકરિયા લેકફ્રંટ ખાતે કાર્નિવલ દરમિયાન બપોરે ૩ થી ૫ કલાક સુધી જાદુગરો દ્વારા જાદુના શો કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો કુતુહલવશ જાદુના શો નિહાળવા આવી રહ્યા છે.કાર્નિવલના પાંચમા દિવસે જીગરદાન ગઢવી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જીગરા બેન્ડનો કાર્યક્રમ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત કાંકરીયા ખાતે હસ્તકલા મેળાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે જ્યાં હસ્તકલા ઉપર આધારીત વિવિધ બનાવટોને જોવા અને લેવા માટે શહેરીજનો ભારે ભીડ જમાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે,આ અગાઉ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા દેવાંગ પટેલના પર્ફોમન્સને નિહાળવા માટે પણ લોકો ભારે ભીડ જમાવી રહ્યા છે.આવતીકાલે શનિવાર અને એ પછી રવિવારના રોજ વર્ષનો અંતિમ દિવસ હોવાની સાથે અંતિમ રવિવાર પણ હોઈ અમદાવાદ શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આયોજિત અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં લોકોની ભારે જનમેદની ઉમટી પડે એવી પુરેપુરી સંભાવના છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલના અંતિમ બે દિવસોને ધ્યાનમાં રાખીને વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિશેષ સવલતો ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ,ક્રાઈમ બ્રાંચ,બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ સહિત અન્ય સુરક્ષા બંદોબસ્તને વધુ ચુસ્ત બનાવવામાં આવનાર છે.

(9:49 pm IST)