Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટતા મળેલ રાહત

નલિયા અને વલસાડમાં પારો હજુ ૧૦થી નીચેઃ અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી થયું

અમદાવાદ, તા.૨૯, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો નોંધાયો છે જેથી લોકોને પણ રાહત થઇ છે. લઘુત્તમ તાપમાનમાં ગઇકાલ કરતા આંશિકરીતે વધારો થયો છે. જો કે, હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. જેથી સ્થિતિ પણ યથાવત રહેશે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી રહ્યું હતું. જો કે, રાજ્યમાં સૌથી ઓછુ તાપમાનમાં આજે વલસાડમાં ૯.૬ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં એકાએક ઘટાડો નોંધાયો છે. ઉત્તરાયણ સુધી ઠંડીમાં હજુ પણ વધુ ફેરફારની સ્થિતિ જોવા નહીં મળે તેવી શક્યતા છે. ક્રિસમસના પર્વ ઉપર જેટલી ઠંડીનો અનુભવ સામાન્ય રીતે થાય છે તેટલો અનુભવ થયો નથી.  વર્તમાન સિઝનમાં નિષ્ણાત તબીબો દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઈન્ફેકશન અને પેટના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. ફુડ પોઈઝનીંગના  કેસ પણ આ સિઝનમાં વારંવાર જોવા મળે છે. અમદાવાદ શહેરમાં ડિસેમ્બર-૨૦૧૬ કરતા પણ વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાવા પામ્યા છે જેમાં આ વર્ષે માત્ર ૨૩ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૪૭૩ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત શહેરમાં જમાલપુર અને વેજલપુર વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાવા પામ્યો છે. હાલમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ લોકોએ સવારમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. ઉત્તર ભારતમાં એક બાજુ તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ઉપર માઠી અસર થઇ રહી છે ત્યારે હવે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

(9:47 pm IST)