Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

માતા સાથે પ્રેમસંબંધની અદાવતમાં મહિલા બુટલેગરના પુત્રએ રીક્ષાચાલકની આંખો ફોડી રસ્તા પર ફેંકી

સુરત:માનદરવાજા ખાડી કિનારે મહિલા બુટલેગર પારોને ત્યાં દારૂ પીવા ગયેલા ભેસ્તાનના રીક્ષાચાલકને મહિલા બુટલેગરના પુત્ર અને તેના મિત્રએ માતા સાથેના પ્રેમસંબંધની અદાવતમાં માર મારી બંને આંખો ફોડી ખટોદરા કોલોની પાસે ફેંકી દીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભેસ્તાન ભીમનગર આવાસ બિલ્ડીંગ નં. એ-૭, રૂમ નં. ૨૮માં રહેતો ગૌતમ ભાનુસીંગ બાબુલ (ઉ.વ. ૩૯) રીક્ષાચાલક છે. આજે સવારે ૧૧ વાગ્યે તે નિત્યક્રમ મુજબ માનદરવાજા ખાડી પાસે મહિલા બુટલેગર પારોને ત્યાં દારૂ પીવા ગયો હતો. ગૌતમને પારો સાથે પ્રેમસંબંધ છે અને તે પારોના પુત્ર હિતેશ (રહે. હળપતિ કોલોની, માનદરવાજા)ને જરાય પસંદ નથી. ગૌતમ ત્યાં હાજર હતો ત્યારે હિતેશ અને તેના મિત્રો ત્યાં આવ્યા હતા. બંનેએ પારો સાથેના પ્રેમસંબંધ બાબતે ગૌતમ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. તેમાં ગૌતમની પાંસળીઓ તૂટી ગઇ હતી. એટલું જ નહીં ત્યારબાદ હિતેશે ગૌતમની બંને આંખોમાં આંગળી ઘુસાડી તેની આંખો ફોડી નાંખી હતી અને તેને મિત્ર સાથે મોટરસાયકલ ઉપર બેસાડી ખટોદરા કોલોની પાસે લઇ જઇ ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા. ઘણા સમય સુધી ત્યાં દર્દમાં કણસતા ગૌતમને કોઇકે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે જાણ થતાં ગૌતમની પત્ની પૂજા દોડી આવી હતી. પૂજાએ પણ પારો સાથેના ગૌતમના સંબંધને લીધે હિતેશે આંખો ફોડી હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પૂજાની ફરિયાદના આધારે હિતેશ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગૌતમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સારવાર કરી રહેલા તબીબોના જણાવ્યા મુજબ ગૌતમની આંખોને કેટલું નુકસાન થયું છે તે થોડા દિવસો બાદ જાણવા મળશે. બનાવ અંગે પીએસઆઇ એન.એચ. મોર વધુ તપાસ કરી રહ્યાં છે.
 

(5:11 pm IST)