Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બિલ્ડીંગની ઊંચાઇમાં હોલો પ્લીન્થ બાકાતઃ બિલ્ડરોને બખ્ખા

કોમન GDCRમાં સુધારો કરતાં જૂના પ્લાનમાં એક માળ વધારવાનો રસ્તો ખુલ્લો બિલ્ડરોને કરોડોનો ફાયદો

અમદાવાદ તા. ૨૯ : ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમલી બનાવેલા કોમન જીડીસીઆરથી બિલ્ડરોને બખ્ખા પડી ગયા છે. ગુજરાત સરકારે ચૂપચાપ કોમન જીડીસીઆરમાં જોગવાઇ કરી ઇમારતોની ઊંચાઇમાંથી હોલો પ્લીન્થના ૩ મીટર કમી કરી દીધાં છે એટલે કે, હવે ઇમારતની કુલ ઊંચાઇમાં હોલો પ્લીન્થની ત્રણ મીટરની ઊંચાઇ ગણવાની થતી નથી. અમદાવાદ મ્યુનિ.એ નવો કોમન જીડીસીઆર ૧લી નવેમ્બરથી લાગુ પાડી દીધો છે. શહેરની કેટલીય ઇમારતોના પ્લાન રિવાઇઝડ કરવા માટેની અરજીમાં વધારો થઇ ગયો છે. હવે જૂના જીડીસીઆર પ્રમાણે, જે બિલ્ડરોએ હોલો પ્લીન્થની ઊંચાઇ ગણી ઇમારતના પ્લાન પાસ કરાવ્યા હતા જેમાં હવે ૩ મીટરની હાઇટ વધી છે જેથી બિલ્ડરો ઇમારતોના પ્લાન રિવાઇઝડ કરી એક વધારોનો માળ ખેંચી રહ્યાં છે જેથી બિલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. બીજી તરફ કોમન જીડીસીઆરના સુધારાથી ૯ અને ૧૨ મીટરના રોડ ઉપર ભારણ વધવાની શકયતા વધી છે.

અમદાવાદ મ્યુનિ.ના સત્તાવાર સૂત્રો ઉદાહરણ આપતાં જણાવે છે કે, જૂના જીડીસીઆરમાં હોલો પ્લીન્થની ત્રણ મીટરની ઊંચાઇ કુલ ઇમારતની ઊંચાઇમાં ગણવામાં આવતી હતી એટલે નવ મીટરની પહોળાઇના રોડ ઉપર પહેલા હોલો પ્લીન્થ સાથે ચાર માળની ઊંચાઇની ઇમારત મંજૂર થતી હતી પણ હવે નવા કોમન જીડીસીઆર પ્રમાણે હોલો પ્લીન્થની હાઇટ કમી કરી દેવાઇ છે જેથી જે નવ મીટરના રોડ ઉપર ચાર માળની ઇમારત મંજૂર થતી હતી જેની અંદર હવે એક વધારાનો માળ ખેંચી શકાય છે. આમ હોલો પ્લીન્થ સાથે પાંચ માળની ઇમારતને મંજૂરી મળી શકે તેમ છે. મ્યુનિ.એ આ પ્રકારે જૂના પ્લાન પાસ કરેલા હોય તેમા રિવાઇઝડ પ્લાન મંજૂર કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં કેટલીય જૂની ઇમારતોમાં એક માળ વધી જતાં બિલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે.

બીજી તરફ રેરા એકટ લાગુ પડી ગયો છે જેમાં રિવાઇઝડ પ્લાન મંજૂર કરાવવા માટે મકાનો વેચ્યા હોય તેમની સમંતિ મેળવવી પણ ફરજિયાત છે. વેચાણ કરેલા મકાનો પૈકી ચોક્કસ ટકાવારી પ્રમાણે મકાનધારકો મંજૂરી આપે તેઓની એફિડેવીટ રજૂ થાય તો જ પ્લાન રિવાઇઝડ થઇ શકે છે. મ્યુનિ.માં બિલ્ડરોએ રિવાઇઝડ પ્લાન માટે મકાન વેચ્યા હોય તેમના એફિડેવીટ સાથે રિવાઇઝડ પ્લાન મુકવા પડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ મીટરથી ઓછી ઊંચાઇ થતી હોય તેવી ઇમારતોમાં રિવાઇઝડ પ્લાનની અરજીઓ વધી રહી છે.

૨૫ મીટરથી ઊંચાઇની ઇમારતોમાં માર્જિનની ગૂંચ

રાજય સરકારે કોમન જીડીસીઆરનું નોટિફિકેશ બહાર પાડયા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ૧લી નવેમ્બરથી અમલવારી શરૂ કરી દીધી છે પણ કોમન જીડીસીઆરમાં મૂકેલી ઇમારતની ઊંચાઇમાં હોલો પ્લીન્થની ૩ મીટરની ઊંચાઇ નહીં ગણવાની જોગવાઇથી કાયદાકીય ગૂંચ ઊભી થઇ છે. શહેરમાં ૨૫ મીટર ઊંચાઇની કેટલીય ઇમારતોના પ્લાન પાસ કરવામાં આવેલા છે એ પૈકીની ઇમારતોમાં ૩ મીટર હાઇટ વધે તેમ છે એટલે કે, એક આખો માળ બાંધી શકાય તેમ છે. હવે બિલ્ડરો પ્લાન રિવાઇઝડ કરવા માટે અરજીઓ કરવા પૂછપરછનો દોર શરૂ કર્યો છે જેમાં મ્યુનિ.એ એક કવેરી કાઢી છે. હોલો પ્લીન્થની ગણતરી મૂળ ઇમારતની ઊંચાઇમાં કરવાની નથી તેવા સંજોગોમાં જો એક માળ વધે તો હાઇટ ૨૮ મીટર થઇ જાય છે તો તેમાં માર્જિનની જગ્યા ૪ મીટર ગણવી કે પછી ૬ મીટર ગણવી તેની ગૂંચ ઊભી થઇ છે. ૨૫ મીટરની ઊંચાઇની ઇમારતમાં ચાર મીટર માર્જિન છોડવું પડે છે પણ હોલો પ્લીન્થ માઇનસ કરવામાં આવે તો હાઇટ ૨૮ મીટર થઇ જાય છે તો તેનું માર્જિન ૪ મીટર ગણવું કે છ મીટર તેનો વિવાદ થયો છે. હાલ તો મ્યુનિ.ના અધિકારીઓ ૬ મીટર માર્જિન મૂકવું પડે તેમ માની રહ્યાં છે જેથી ૨૫ મીટરથી ઊંચાઇની ઇમારતના પ્લાન રિવાઇઝડ થઇ રહ્યાં નથી કેમ કે, સ્ટ્રકચર ઊભું થયા બાદ તેમાં એક માળ ખેંચવા માટે માર્જિન વધારવું શકય બનતુ નથી પણ આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે

(11:27 am IST)