Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગુજરાત હાઉસિંગ બોર્ડની ખખડધજ થયેલી સોસાયટીઓનું રિ-ડેવલપમેન્ટ થશે

વટહુકમને સરકારની મંજૂરી : પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી કામ કરાશે : રાજ્યમાં ૭૦૦ જેટલી હાઉસિંગ સોસાયટીઓ છે

અમદાવાદ તા. ૨૯ : ગુજરાત કેબિનેટે બુધવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ એકટ, ૧૯૬૧ પરના વટહુકમને મંજૂરી આપી દીધી. જેથી હવે જૂની અને ખખડધજ થઈ ગયેલી હાઉસિંગ સોસાયટીનું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ કરાશે. એટલે કે હવે ૨૫ વર્ષ જૂની સોસાયટીનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેથી ખકડધજ મકાનોના ભયથી પરિવારોને છુટકારો મળશે.

અર્બન હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી લોહાણા સહેરાએ જણાવ્યું કે, 'રાજય સરકારે પ્રાઈવેટ હાઉસિંગ સોસયટીના રિડેવલપમેન્ટ માટેની મંજૂરી બાદ, કેબિનેટે ગુજરાત હાઉસિંગ બોર્ડ એકટ, ૧૯૬૧ને વટહુકમ દ્વારા ૨૫ કરતા વધુ જૂની સોસાયટીના રિ-ડેવલપમેન્ટ માટે મંજૂરી આપી છે. હટહુકમ પ્રમાણે જૂની હાઉસિંગ સોસાયટીના ૧૦૦% માંથી ૭૫% સભ્યો રિ-ડેવલપમેન્ટ માટે સહમતિ આપતા હોવા જોઈએ. આજ નિયમ પ્રાઈવેટ સોસાયટીઓને લાગુ પડશે.'

સહેરાએ આગળ જણાવ્યું કે, 'કેટલીક હાઉસિંગ બોર્ડ સોસાયટીની બિલ્ડિંગોને ધ્યાનમાં રાખીને વટહુકમને જારી કરવામાં આવ્યો. લગભગ ૫૫ જેટલી સોસાયટીઓમાં ૧૫,૨૦૦ જેટલા ફલેટ્સ છે, જેમનું પહેલા તબક્કામાં રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. સરકાર આ પ્રોજેકટને આગળ ધપાવવા માટે PPF (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)થી આગળ વધશે જેમાં ડેવલોપર્સને ૧૦ માળ સુધીનું બાંધકામ કરવાની મંજૂરી અપાશે જેમાં ફલોર સ્પેસ ઈન્ડેકસ (FSI) ૩ મુજબ બાંધકામ હોવું જોઈએ. જેમાં બન્ને પક્ષોને ફાયદો થાય તે રીતે કામ કરાશે.'

હાઉસિંગ બોર્ડની રાજયભરમાં કુલ ૭૦૦ જેટલી હાઉસિંગ સોસાયટી છે, જેમાંથી ઘણાં મકાન ૨૫ વર્ષ જૂના છે. સરકારના આ નિર્ણયથી લાખો પરિવારોને ફાયદો થશે જેઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કેટલાક નાના શહેરોમાં હાઉસિંગ બોર્ડના ખખડધજ મકાનોમાં રહે છે.

(3:25 pm IST)