Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બુટલેગર પાસેથી ૮ હજારની લાંચ લેતા ઝડપાયેલ બહુચરાજીના પોલીસકર્મીને પાંચ વર્ષની કેદની સજા

બહુચરાજી :આજથી ૧ર વર્ષ અગાઉ ર૦૦૬ની સાલમાં કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના શખ્સ પાસેથી દારૂનો ધંધો કરવા પેટે  ૮ હજારની લાંચ લેતાં ચાણસ્માંથી પકડાયેલા બહુચરાજી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને પાટણની કોર્ટે પ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

   કેસની વિગત મુજબ, બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. ભીખુભા છત્રસિંહ સોલંકીએ વર્ષ ર૦૦૬માં કાંકરેજના ઉંબરી ગામના અગરસિંહ સૂરજીસિંહ વાઘેલાને બહુચરાજી વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરવા પેટે રૂ.૧પ હજારની લાંચ માંગી હતી, જેમાં છેવટે ૮ હજાર આપવા નક્કી થયું હતું. જે અંગે અગરસિંહ વાઘેલાએ મહેસાણા એસીબીમાં તા.ર૧/૦ર/ર૦૦૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી દરમિયાન, ૧૩ માર્ચ ર૦૦૬ના રોજ ચાણસ્મા હાઈવે ચોકડી પર પૈસા આપવા નક્કી કરાયું હતું. જે મુજબ પોલીસકર્મી ભીખુભા ચાણસ્મા સર્કલ પાસે આવી ૮ હજારની લાંચની રકમ સ્વીકારી હતી, પરંતુ એસીબીની શંકા જતાં એસટીડેપોની દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ પોલીસે એસ.ટી.શોપમાંથી પકડી લાંચની રકમ જપ્ત કરી હતી.

 આ અંગેના કેસ પાટણના એડીશનલ સેસન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં આરોપી પોલીસ કર્મીને પ-પ વર્ષની સખત કેદ અને રૂ.૧પ-૧પ હજાર દંડ ફટકાર્યો હતો. જા દંડ ન ભરે તો વધુ ૬-૬ માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

(1:01 pm IST)