Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

બાંભણીયા સામે જામીનલાયક વોરન્ટ જારી થતાં ભારે ચકચાર

હાર્દિક, કેતન, ચિરાગે વકીલ મારફતે મુદત માંગીઃ બાંભણીયા કોર્ટ સમક્ષ રૂબરૂ કે વકીલ મારફતે હાજર ન રહેતાં કોર્ટે ગંભીર નોંધ લીધી : સરકાર પક્ષે લીધેલ વાંધો

અમદાવાદ,તા.૨૯, રાજદ્રોહના કેસમાં આજે પાસના નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ આજે સેશન્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા પરંતુ તેમના વકીલ મારફતે અરજી અદાલતને વિનંતી કરી હતી કે, અરજદારો હાલ ગુજરાત   વિધાનસભાની ચૂંટણી અને પ્રચાર કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી કેસમાં મુદત આપવા અરજ છે. જેને ધ્યાનમાં રાખી કોર્ટે તા.૨૯મી ડિસેમ્બરના રોજ કેસની વધુ સુનાવણી રાખી હતી. જો કે, આ કેસમાં આજે પાસના નેતા દિનેશ બાંભણીયા હાજર નહી રહેતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આરોપી બાંભણીયા વિરૂધ્ધ જામીનલાયક વોરંટ જારી કર્યું હતું. રાજદ્રોહના કેસમાં આજે મુદત હતી પરંતુ આરોપીપક્ષ તરફથી વધુ એકવાર મુદતની માંગણી કરવામાં આવી હતી. રાજદ્રોહના કેસમાં આજે પાસના નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ અદાલત સમક્ષ હાજર રહી શકે તેમ નહી હોવાથી તેમના એડવોકેટ મારફતે કોર્ટને અરજી આપી હતી કે, તેઓ વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ કાર્યક્રમો અને પ્રચારમાં વ્યસ્ત હોવાથી તેમને મુદત આપવામાં આવે અને તેમની અનુપસ્થિતિ સામે વાંધો ના લેવાય. કોર્ટે તેમની અરજને ધ્યાનમાં લઇ કેસની વધુ સુનાવણી તા.૨૯મી ડિેસેમ્બરે રાખી હતી. જો કે, પાસના અન્ય નેતા દિનેશ બાંભણીયા આજની મુદતમાં હાજર પણ રહ્યા ન હતા કે, તેમના વકીલ મારફતે પણ હાજરી દર્શાવી નહી, તેના લીધે કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આ તબક્કે મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આરોપીઓ કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરી ટ્રાયલની પ્રક્રિયા વિલંબિત કરી રહ્યા છે. હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી પડતર છે તે કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચલાવવી જોઇએ અને કાનૂની પ્રક્રિયા આગળ ધપાવવી જોઇએ. આરોપીઓ કોર્ટ પ્રોસીડીંગ્સથી બચવા માટે જ આ પ્રકારે મુદતો પાડી રહ્યા છે. તમામ રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે આરોપી દિનેશ બાંભણીયા વિરૂધ્ધ જામીનલાયક વોરંટ જારી કર્યું હતું.

 

(9:55 pm IST)