Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ચૂંટણી લડવા માટે પી.સી. બરંડાએ આપેલ રાજીનામાથી ખાલી પડેલ છોટા ઉદેપુરના એસપીની જગ્યા અંતે ૧પ દિ'એ ભરાઇ

એચ.આર.મુલીયાણા-રાજકોટના ડીસીપી બલરામ મીનાના નામોની પણ વિચારણા બાદ ડીસીપી એમ.એસ.ભાભોરની પસંદગી : આઇપીએસમાંથી રાજીનામું આપી ર૪ કલાકમાં ભાજપમાં સામેલ થઇ ભીલોડાની ટીકીટ મેળવનારા પી.સી. ભાજપથી ખુશ પણ પુર્વ આઇપીએસ અને જુનાગઢના એક સમયના રેન્જ વડા બી.ડી.વાઘેલા ભાજપે ફરી ટીકીટ ન ફાળવતા ભારે નાખુશ

રાજકોટ, તા., ર૮:  છોટા ઉદેપુરના તત્કાલીન એસપી પદેથી રાજીનામુ આપી ર૪ કલાકમાં રાજીનામુ મંજુર કરાવી, ભાજપમાં જોડાઇ અને ગણતરીના કલાકોમાં સાબરકાંઠાના ભીલોડા ગામની ધારાસભાની ટીકીટ મેળવવામાં ભાગ્યશાળી બનેલા પી.સી. બરંડાના રાજીનામાથી ખાલી પડેલ છોટા ઉદેપુરના એસપીની જગ્યા અંતે ચુંટણીનું વાતાવરણ છતા ૧પ દિવસે ભરવામાં આવી છે.

છોટા ઉદેપુરના એસપી તરીકે જે નામોની વિચારણા હતી તેમાં અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના સીનીયર ડીસીપી એચ.આર.મુલીયાણા તથા રાજકોટ તાજેતરમાં બદલી પામીને આવેલા બલરામ મીનાના નામની પણ વિચારણા કર્યા બાદ વડોદરાના ડીસીપી એમ.એસ.ભાભોરને મુકવામાં આવ્યા હતા. સમય થોડો હોવાથી બંદોબસ્તની સ્કીમનો અભ્યાસ કરવામાં મુશ્કેલી સર્જાશે તેમ માનવામાં આવે છે. નવાઇની વાત એ છે કે તંત્રએ ૧પ-૧પ દિવસ સુધી આ જગ્યા ભરવાની દરકાર ન કર્યા બાદ ગઇકાલે ગૃહ ખાતા દ્વારા તાકીદે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ગૃહ ખાતાના જોઇન્ટ સેક્રેટરી નિખીલ ભટ્ટની સહીથી નિકળેલ આ હુકમમાં આ હુકમનો અમલ આજને આજ કરવા પણ તાકીદના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે ચુંટણી પંચની મંજુરી પણ મેળવાયાનો ઉલ્લેખ છે.

સચિવાલય વર્તુળોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદ સીટી કંટ્રોલના ડીસીપી એચ.આર. મુલીયાણા પાસે ખુબ જ મહત્વની ચુંટણીલક્ષી કામગીરી હોવાથી તેઓને મુળ જગ્યાએ યથાવત રાખવા નિર્ણય  થયેલ. આજ રીતે રાજકોટમાં મુખ્યમંત્રી સામે સક્ષમ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ હોવાથી કોઇ તબક્કે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે બલરામ મીના જેવા સક્ષમ અફસરની જરૂરીયાત હોવાનો અભિપ્રાય થવાથી તે નામ પણ રદ કરાયું હતું.

આમ ૧પ દિવસ બાદ વડોદરાના ડીસીપી એમ.એસ.ભાભોરને છોટા ઉદેપુર  તો મુકયા હવે બરોડા ડીસીપીની જગ્યાએ કોને મુકાશે? તે અંગે રસપ્રદ ચર્ચા ચાલે છે. 

(4:12 pm IST)