Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મહેસાણાના નંદાસણ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાતમાં ડ્રાઈવર સહીત બે લોકોના મોત

બુડાસણના પરિવાર દીકરી માટે સગપણ જોઈ પરત ફરતા હતા ત્યારે સામેથી આવતી કારનું ટાયર ફાટતા કારની ઉપર પડતા અકસ્માત નડ્યો : દીકરીના માતાનું મોત થતા પરિવારમાં માતમ

મહેસાણાઃ મહેસાણાના બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. પરત ફરતી વખતે સામે આવતી ગાડીનું ટાયર ફાટતા પરિવારની કાર ઉપર પડતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં ફતેહખાન બ્લોચ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા. ફતેહખાન બ્લોચ સગપણ જોવા માટે પોતાના સંબંધી સાહેલ ખાનની કારમાં ગયા હતા. કારમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનું અને મેમુનાબાનું તેમજ ફરીદાબાનું કુલ પાંચ લોકો કારમાં સવાર હતા.

ફતેહખાન બ્લોચ દીકરીનું સગપણ જોઈને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન નંદાસણ નજીક ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય કાર આવી રહી હતી. જે કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાતા બ્લોચ પરિવારની કાર ઉપર પડી હતી.

કારના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઈવર બ્લોચ સાહેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

(11:17 pm IST)