Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

બનાસકાંઠાના દિયોદરમાં મહિલાએ અધુરા મહિને સિઝેરિયનથી વિચિત્ર બાળકને જન્‍મ આપ્‍યોઃ આંતરડા, કિડની સહિતના અંગો બહાર હતા

તાબડતોબ ઓપરેશન માટે માતા અને પુત્રને અમદાવાદ ખસેડાયા

બનાસકાંઠા: આપણે એવી અનેક દુર્લભ બિમારી સાથે જન્મતા બાળકોના કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં એક વિચિત્ર બાળકનો જન્મ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાળકના આંતરડા શરીરથી અલગ હતા, કમનસીબે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે એક મહિલાને અધૂરા માસે સિઝેરિયન દરમિયાન એક વિચિત્ર બાળકનો જન્મ થયો હતો. સીઝર દરમિયાન ખોડ ખાપણ વાળું અને આંતરડા, કિડની સહિતના અંગો બહાર હોવાથી પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. પરંતુ જીવિત બાળકને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપી તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકના અંગો સહિત કિડની, લીવર બહાર હોવાથી સર્જરી કરવી પડે તેવી જ હાલત હતી. અનોખી ડિલિવરી દરમિયાન માતા સ્વસ્થ અને પુત્રને અમદાવાદ ખાતે ખસેડાયો હતો. જો કે, બાળકને વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાઠાના દિયોદરમાં એક મહિલાને પ્રસૂતાનો દુ:ખાવો ઉપડતા તેને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં મહિલા બાળકને નોર્મલ રીતે જન્મ આપી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી અધૂરા માસે સિઝેરિયન દરમિયાન વિચિત્ર બાળકનો જન્મ આપ્યો હતો. જો કે, બાળકનો દેખાવ સામાન્ય બાળકથી એકદમ અલગ જ હતો. આંતરડા, કીડની જેવા અંગો શરીરની અંદર હોવા જોઈએ તેના બદલે નવજાત બાળકના શરીરની બહાર હતા. તબીબી ભાષામાં આ બીમારને ગેસ્ટ્રોસાઈસીસ કહેવામા આવે છે. આ બીમારીને દુર્લભ ગણવામા આવે છે.

નવજાત બાળક અમદાવાદ પહોંચે તે પહેલા જ મોત

અત્રે નોંધનીય છે કે, સીઝર દરમિયાન ખોડ ખાપણવાળું અને આંતરડા, કિડની સહિતના અંગો બહાર હોવાથી પરિવાર પહેલા તો ચિંતામાં આવી ગયો હતો. પરંતુ ડોક્ટરોએ સૂઝબૂઝથી કામ કરીને દુર્લભ બીમારી સાથે બાળકનો જન્મ થતા તેને પ્રાથમિક સારવાર આપવામા આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ ખસેડવાનો નિર્ણય કરાયો હતો. જો કે, નવજાત બાળક અમદાવાદ પહોંચે તે પહેલા જ મહેસાણા પાસે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. બાળકની માતાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

(4:18 pm IST)