Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

હોમગાર્ડ ભરતીમાં પણ ધસારોઃ શહેરની ૨૯૨ જગ્યા માટે ચારગણી ૧૩૨૮ અરજીઓ આવી !

ધો. ૧૦ પાસની શૈક્ષણિક લાયકાત પરંતુ ૪૦ ટકાથી વધુ ગ્રેજ્યુએટ યુવાનોએ અરજી કરીઃ બેકારી કયાં જઈ અટકશે ? ૯ મિનીટમાં ૧૬૦૦ મીટરની દોડ સહિતની શારીરિક કસોટી બાદ મૌખિક કસોટી લેવાશે

રાજકોટ, તા. ૨૯ :. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તથા શહેરમાં હોમગાર્ડ દળમાં ભરતીનું આયોજન કરાયુ છે. રાજકોટ શહેરમાં ખાલી પડેલ હોમગાર્ડ કેડેટની ૨૯૨ની જગ્યા સામે ૧૩૨૮ અરજીઓ આવી પડી છે.

પોલીસ દળની સાથે ફરજ બજાવતા હોમગાર્ડ દળમાં નવી ભરતી માટે અઠવાડીયા પહેલા શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. ગઈકાલે છેલ્લી તારીખ સુધીમાં હોમગાર્ડ પુરૂષની ૨૯૨ ખાલી જગ્યા સામે ૧૩૨૮ અરજીઓ આવી છે, જ્યારે ૧૬ મહિલા હોમગાર્ડની જગ્યા સામે ૧૩૫ અરજીઓ આવી છે.

આગામી દિવસોમાં હોમગાર્ડ દળમાં અરજી કરનાર ઉમેદવારોની ઈન્ચાર્જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જી.એસ. બારીયાના માર્ગદર્શન હેઠળ શારીરિક કસોટી લેવાશે. જેમાં દરેક ઉમેદવારોએ ૯ મિનીટમાં ૧૬૦૦ મીટર દોડ દોડવાની રહેશે. તેમજ અન્ય શારીરિક કસોટીઓ પણ લેવામાં આવશે. ત્યાર બાદ શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારોની મૌખિક કસોટી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દળ સાથે ફરજ બજાવતા હોમગાર્ડ કેડેટને દૈનિક ૩૦૦ રૂ.નું માનદ વેતન આપવામાં આવે છે. હોમગાર્ડ દળમાં ભરતી થનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ છે, પરંતુ ૧૩૨૮ અરજીમાં ૪૦ ટકાથી વધુ ગ્રેજ્યુએટ યુવાનોએ અરજી કરેલ છે. આ ઉપરથી ફલીત થાય છે કે બેકારી કયાં જઈને અટકશે ?

હોમગાર્ડ દળમાં જોડાવા માટે અરજીઓ સ્વીકારાયા બાદ આગામી ટૂંક સમયમાં તમામ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે અને તે અંગેની તારીખ હવે પછી જાહેર થશે.

(3:44 pm IST)