Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ગત વર્ષની દિવાળીની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે ઝઘડા અને મારામારી વગેરે જેવા બનાવોથી ઇજાગ્રસ્‍ત થયેલી લોકોની સારવાર માટે મળેલા કેસમાં ૧૨૮ ટકાનો વધારો જોવા મળ્યોઃ ૧૦૮ને રાજ્યભરમાંથી બે દિવસમાં ૮૬૮૦ કોલ ઇમરજન્સી કોલ મળ્યા

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી અને નૂતન વર્ષે ઇર્મજન્સી મેડિકલ સર્વિસ 108ની સેવાઓએ અનેક જિંદગીઓ બચાવી હતી. 108ને રાજ્યભરમાં દિવાળીએ 3,885 અને બેસતા વર્ષે 4,795 ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108ને બેસતા વર્ષે 20.42% વધારો થયો હતો.
108
દ્વારા બે દિવસ સમગ્ર રાજ્યમાં જુદા જુદા પ્રકારના ઇર્મજન્સી કોલમાં સારવાર મળી રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. દિવાળીએ ગત વર્ષની સરખામણીએ બર્ન કેસીસ એટલે કે દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતા કેસની સંખ્યામાં 383 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઝઘડા અને મારામારી વગેરે જેવા બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં 128 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે અકસ્માત સહીતના ટ્રોમાના વ્હિક્યુલર કેસમાં 130 ટકા અને નોન વ્હિક્યુલર કેસમાં 130 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

108ને બેસતા વર્ષે સૌથી વધુ 707 કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર જિલ્લામાં સુરતમાંથી 502, દાહોદમાંથી 303, વડોદરામાં 269, રાજકોટમાં 224 મળ્યા હતા.

પાંચ જિલ્લામાં સૌથી વધુ કોલ મળ્યા
ગત વર્ષની સરખામણીએ 108ને અરવલ્લી જિલ્લામાં 64.71 ટકા, મહિસાગરમાં 50.75 ટકા, જામનગરમાં 50.48 ટકા અને બનાસકાંઠામાં 45.88 ટકા, મોરબીમાં 45.71 ટકા વધારે કોલ મળ્યા હતા.
બર્નના કેસમાં 383.33 ટકાનો વધારો
108ના આંકડાઓ મુજબ સામાન્ય દિવસમાં બર્નના 6 કોલ મળતા હોય છે જ્યારે નૂતન વર્ષે 29 મળ્યા હતા. આમ કેસમાં 383.33 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના 68ની સામે 170 કોલ મળતાં 150 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી રીતે અકસ્માતોના કોલમાં પણ 127.91 ટકાનો વધારો નોંધાયો હતો.

(3:10 pm IST)