Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે ઝાપટાને કારણે ખેડૂતોથી માંડી સાગરખેડૂ પણ પરેશાન

અમદાવાદ : નવા વર્ષની શરૂઆત ગુજરાત માટે ઐતિહાસિક રીતે વરસાદી રહી હતી. અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે ઝાપટા આવ્યા હતા. જ્યારે કેટલાક દરિયા કિનારાના જિલ્લાઓમાં તોફાની વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જો કે દિવાળીમાં વરસાદ ગુજરાત માટે એક મોટી નવાઇની વાત છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનાના અંતે વરસાદ વિદાય લઇ લેતો હોય છે. જો કે ચાલુ વર્ષે ભાદરવો અને આસો બંન્ને મહિનામાં વરસાદ પડ્યો હતો. વરસાદી વાતાવરણનાં કારણે મચ્છરજન્ય રોગચાળાનો પણ પ્રકોપ ગુજરાતમાં ખુબ જોવા મળ્યો હતો

હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી કરવામાં આવી હતી કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યારા વાવાઝોડાની ચેતવણીનાં કારણે દિવાળી અને બેસતા વર્ષાં દિવસે વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઇ શકે છે. અમદાવાદ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. ગાંધીનગર અને એસજી હાઇવે પર આવેલા તમામ વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. અમદાવાદનાં ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, નારણપુરા, વસ્ત્રાપુર, શિવરંજની સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

(12:07 pm IST)