Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

વડોદરામાં પોલીસ જવાન ઉપર હૂમલો કરતો બુટલેગર પરિવાર

વડોદરા : શહેરના દાંડિયા બજારમાં રેવા હોસ્પિટલ પાસે દારૂનો ધંધો કરતા પરિવાર વચ્ચે વહેલી સવારે ઝગડો ચાલતો હતો. તે દરમિયાન રાવપુરા પોલીસ મથકને વરદી મળી હતી. જેથી પીસીઆર વાન ચાલક જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યા ઘટના સ્થળ પર પહોંચેલા જવાન પર લોખંડની પાઇપ અને પ્લાસ્ટીક પાઇપ દ્વારા હુમલો થતા તે ગંભીર રીતે ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેને માથામાં 6 ટાંકા આવ્યા છે. ઇજા પામેલ પોલીસ જવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

ઝગડો ચાલતો હોવાની વર્ધી મળી
રાવપુર પોલીસ સ્ટેશનમાં ઝગડો ચાલવાની એક વર્ધી મળી હતી. જેથી પીસીઆઇમાં ફરજ પર રહેલા દિનેશ હાહ્યાભાઇ ભાટીયાને વર્દી આપવામાં આવી હતી. રાત્રી પેટ્રોલિંગની ડ્યુટી પર રહેલ દિનેશ ભાટીયા સાથી એલઆરડી જવાન અનિરુદ્ધસિંહ સાથે રેવા હોસ્પિટલની વર્ધી મળતા રવાના થયા હતા. બંન્ને પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દારૂનો ઘંઘો કરતા પરિવારનાં સભ્યો માથાકુટ કરી રહ્યા હતા. તિક્ષ્ણ હથિયારો સાથે માથાકુટ કરી રહેલા લોકોને શાંત રહેવા અને ઝગડો નહી કરવા માટે બંન્ને જવાનો સમજાવી રહ્યા હતા

જો કે વચ્ચે પડેલા દિનેશ પર ઉશ્કેરાયેલા પરિવારનાં લોકોએ લોખંડની પાઇપ અને પ્લાસ્ટિકના ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેને માથાના ભાગે 6 ટાંકા આવ્યા હતા. રાવપુરા પોલીસ ફરિયાદના આધારે લલિત કહાર, રોહિત કહાર, સુનિતા કહાર, ચેતના કહાર અને ઉષા કહાર સામે ગુનો દાખલ કર્યો છે

જો કે ફરજ પર હાજર પોલીસ જવાન પર બેસતા વર્ષે હુમલો થતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના અંગે જાણ થતા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર તમામને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવા માટેનાં આદેશ આપીને પોલીસ અધિકારીઓ રવાના થયા હતા.

(12:08 pm IST)