Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ટ્રેનમાં શાકાહારી, માંસાહારી ભોજન સંદર્ભે અરજી કરાઈ

અલગ રીતે ભોજન પીરસવાની કોર્ટમાં માંગઃ ટ્રેનોમાં ટિકિટ બુકીંગ વખતે પસંદગી પ્રમાણે વેજીટીરીયન અને નોનવેજીટીરીયન ભોજન માટે અલગ વ્યવસ્થા માંગ

અમદાવાદ, તા.૨૯: ભારતીય રેલ્વેમાં પીરસાતાં ભોજનમાં શાકાહારી અને માંસાહારી ખાવનું એકસાથે બનાવી પીરસાતું હોવાનો મહત્વનો મુદ્દો ઉઠાવતી એક જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના જ એડવોકેટ અને મુસ્લિમ હોવાછતાં પ્યોર વેજીટીરીયન હોવાના નાતે ઇ.ઇ.સૈય્યદે પ્રજાના સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં લઇ હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી મારફતે આ પીઆઇએલ દાખલ કરી છે. જેની સુનાવણી આગામી સપ્તાહમાં નીકળે તેવી શકયતા છે. અરજદાર એડવોકેટ ઇ.ઇ.સૈય્યદ દ્વારા પોતે જ દાખલ કરેલી જાહેરહિતની રિટ અરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી દ્વારા એ મતલબના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે કે, ભારતીય રેલ્વે દ્વારા દેશના વિવિધ ભાગોમાં મુસાફરો માટે રાજધાની એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેમાં ભોજન, કેટરીંગ સહિતની વિવિધ સેવા-સુવિધા પણ પૂરી પડાઇ રહી છે. અરજદાર તાજેતરમાં તા.૬-૯-૨૦૧૮ના રોજ રાજધાની એક્સપ્રેસમાં તેમના ભત્રીજા સાથે અમદાવાદથી દિલ્હી ગયા હતા અને તે દરમ્યાન તેમણે પસંદગી પ્રમાણે ભોજન બુક કરાવ્યું હતું પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે તેઓને વેજીટીરીયન અને નોન વેજીટીરીયનના કોઇ સેગ્રીગેશન વિના જ ભોજન પીરસાયું હતું એટલે કે, બંને કેટેગરીના ભોજન માટે અલગ-અલગની કોઇ જ વ્યવસ્થા નહી હોવાનું માલૂમ પડયું હતું. ટિકિટનું બુકીંગ વખતે જ રેલ્વે તંત્ર દ્વારા ભોજનની પસંદગીની નોંધ લઇ લેવાતી હોવાથી તંત્રએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જેથી ટ્રેનમાં બાજુમાં બેઠેલ વ્યકિતને કોઇ તકલીફ કે સૂગ ના ચડે. ભારતીય રેલ્વે તંત્રના સત્તાધીશો અને તેમના એજન્ટોને હાઇકોર્ટે આ માટે જરૂરી નિર્દેશો જારી કરવા જોઇએ. ખાસ કરીને રાજધાન એકસપ્રેસ સહિતની તમામ ટ્રેનોમાં ટિકિટ બુકીંગ વખતે જ પસંદગી પ્રમાણે ભોજનની વેજીટીરીયન અને નોન વેજીટીરીયન કેટેગરીને અલગ-અલગ રીતે પીરસવાની વ્યવસ્થાની સીસ્ટમ અમલી બનાવવી જોઇએ કે જેથી ટ્રેનમાં મુસાફરી કરતાં અન્ય મુસાફરો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને કોઇ તકલીફ ઉભી ના થાય. વેજીટેરીયન અને નોન વેજીટેરીયનના ભોજનને લઇ ના હોય સીટીંગ એરેન્જમેન્ટ(સીટોની ફાળવણીની વ્યવસ્થા) પણ અલગ-અલગ પ્રકારે કરવી જોઇએ કે જેથી કોઇને સમસ્યા જ ના રહે. આ એક સંવેદનશીલ મુદ્દો હોઇ હાઇકોર્ટે જાહેરહિત અને પ્રજાની તકલીફને ધ્યાનમાં રાખી ભારતીય રેલ્વે તંત્ર અને સંબંધિત સત્તાવાળાઓને જરૂરી નિર્દેશો જારી કરવા જોઇએ. આ જાહેરહિતની રિટ અરજીની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં નીકળે તેવી શકયતા છે.

 

(9:59 pm IST)