Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કોંગ્રેસ વર્ગ વિગ્રહ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહારઃ સાબરકાંઠા ભાજપની કારોબારી બેઠક યોજાઈ : સરદાર પટેલ સાહેબના અપમાનનો બદલો રાજ્યની જનતા લેશે

અમદાવાદ, તા.૨૯: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરકાંઠા જિલ્લા કારોબારીને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચુંટણીમાં જે પરિણામો આયા તે જ બતાવે છે કે ગુજરાતની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધરતી ઉપર જુઠાણાના પ્રચાર કરવા નિકળેલી કોંગ્રેસ નાત-જાતમાં વેરઝેર ફેલાવવાનું કાર્ય કરે છે. જનતા સુખાકારી ઈચ્છે છે તે પરિણામોએ સાબિત કરી દીધું છે, જેથી ગુજરાતની જનતાને અભિનંદન આપું છું. હિંમતનગર ખાતે સાબરકાંઠા ભાજપની યોજાયેલ જીલ્લા કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવેલ કે દેશમાં જેના કારણે ગૌરવ છે તેવા સરદાર સાહેબે દેશના રજવાડા એકત્રીકરણ કરવાનું કામ બખૂબી રીતે કરેલ. જ્યારે કોંગ્રેસે કટોકટી લાદી કોઈપણ આંદોલન કચડી નાખવાનું કામ કર્યું હતું. સરદાર સાહેબનો અપમાન કરવાનો સીલસીલો જવાહરલાલ નહેરૂના સમયથી ચાલી આવે છે. તેમને વડાપ્રધાન બનવા ન દીધા, ભારત રત્ન પણ ન આપ્યો. સરદાર સાહેબનું તૈલચીત્ર અટલજીના શાસનમાં મુકાયું. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવેલ કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સરદાર સાહેબના વિચારોને લઈ કામ કરી રહ્યા છે. ભાજપની સરકારમાં નરેન્દ્રભાઈએ નર્મદા ડેમની ઉંચાઈ વધારી આપી, જે ગુજરાતના હિતમાં કામ થઈ રહ્યું છે. જીતુ વાઘાણીએ પત્રકારોને જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સાહેબની પ્રતિમા મુકી તેમને બહુમાન આપ્યું છે. આવા મહાપુરૂષ પ્રત્યે રાહુલ ગાંધી દ્વારા ટીપ્પણી કરી ફક્ત સરદાર પટેલનું જ નહીં પણ રાજ્ય અને દેશનું અપમાન કર્યું છે. ખરા અર્થમાં સરદાર સાહેબને અમે સન્માનીય ગણીએ છીએ એટલે જ તેમને અમે દિલમાં રાખીએ છીએ.

(9:08 pm IST)