Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બનાવટી વિજીલન્સ મામલતદાર પાસેથી ડાયરી અને દસ્તાવેજો કબ્જે કરતી એસીબી

કારની પાછળ 'એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ' એવા લખાણ દ્વારા પ્રભાવ જમાવતો હતોઃ તપાસનો ધમધમાટ : ૪ લાખ પૈકી પ૦ હજારની લાંચના છટકામાં ઝડપાયેલ ગાંધીનગરના શખ્સની એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં પુછપરછ ચાલુ

રાજકોટ, તા., ર૯: ગાંધીનગરના વીજીલન્સ મામલતદારનો ખોટો હોદો ધારણ કરી સાડા ત્રણ લાખની લાંચનો પ્રથમ હપ્તો રૂ. પ૦ હજાર  સ્વીકારતા ઝડપાઇ ગયેલા ચંદ્રકાંતભાઇ સોનીની એસીબીના નિયામક કેશવકુમારના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આરોપી ચંદ્રકાંતભાઇ સોની પાસેથી તેના કબ્જામાં રહેલા વિજીલન્સ કમિશ્નર અને વિજીલન્સ મામલતદાર સહિતના સિક્કાઓ (સ્ટેમ્પ) કબ્જે કરવામાં આવેલ છે. તેની પાસેથી મળેલી ડાયરી અને દસ્તાવેજમાં તેની સાથે અન્ય સરકારી અધિકારીઓની સંડોવણી હોવાની શંકા નિવારી ન શકાય તેમ એસીબી સુત્રો જણાવી રહયા છે.

આરોપી ચંદ્રકાંત સોની ભુતકાળમાં સાબરકાંઠામાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવી લાંબા સમયથી નિવૃત થયા હોવા છતાં તેઓ હજુ ગાંધીનગરમાં વિજીલન્સ કમિશ્નર હોય તે રીતે રૂઆબ રાખતા હતા. તેની સેવરોલેટ કારમાં પાછળના ભાગે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની મોટી પ્લેટ તેઓ કાયમ રાખી પ્રભાવ પાડતા હતા.

અત્રે યાદ રહે કે એસીબી સમક્ષ એક ફરિયાદીએ એવી રજુઆત કરી હતી કે તેમના પિતાનું  નામ   ૭/૧ર ના  ઉતારામાં ઉમેરવા માટે વીજીલન્સ મામલતદાર નોર્થ ઝોન ગાંધીનગરના ચંદ્રકાંત ભાઇ સોનીએ નામ દાખલ કરી આપતો હુકમ કરી આપવા માટે તેની પાસેથી સાડા ત્રણ લાખ રૂપીયાની લાંચની માંગણી કરી છે. અને આ માટે પ૦ - પ૦ હજાર રૂપીયાના હપ્તા કરવાનું પણ  નકકી થયાનું ફરીયાદમાં ફરીયાદીએ જણાવેલ.

ફરિયાદીની ઉપરોકત ફરીયાદ આધારે એસીબીએ ત્રણ લાખની લાંચ પૈકી રૂ. પ૦ હજારની લાંચનો હપ્તો સ્વીકારતા કહેવાતા મામલતદારને છટકામા ઝડપી લીધેલ હતા. એસીબી તપાસમાં એેવો ધડાકો થયો હતો કે પોતાને વીજીલન્સ મામલતદાર તરીકે ઓળખાવતા શખ્સ પાસે ખરેખર કોઇ હોદો જ નથી ખોટા હોદા ધારણ કરી લોકોને ખંખેરી રહ્યા હતા. (૪.૨)

(12:04 pm IST)