Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ધોરણ,૧૦-૧૨ના નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો માટે સ્કૂલોની તપાસ-સમીક્ષા કરવા બોર્ડનો આદેશ

તપાસના આધારે હાલમાં જે કેન્દ્રો છે તે યથાવત રાખ‌વા કે નહી તેનો નિર્ણય કરવામાં આવશે.

 

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવામાં આવનારી ધો.૧૦ અને ૧૨ની સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સમીક્ષા કરવા અને હાલમાં જે કેન્દ્રો છે તે યોગ્ય છે કે નહી તેની તપાસ કરવાની સૂચના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને આપવામાં આવી છે. તપાસના આધારે હાલમાં જે કેન્દ્રો છે તે યથાવત રાખવા કે નહી તેનો નિર્ણય કરવામાં આવશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય બાદ સૌથી મહત્વની કામગીરી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની હોય છે. તાજેતરમાં બોર્ડ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને એક પરિપત્ર મોકલીને એવી સૂચના આપવામાં આવી છે કે, આગામી વર્ષે લેવાનારી પરીક્ષા બાદ હાલમાં જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે તેની તપાસ કરીને પુન:સમીક્ષા કરવાની રહેશે. ખાસ કરીને જે મૂલ્યાંકન કેન્દ્ર છે તેમાં કોઇપણ પ્રકારની દખલગીરી નથી, શિક્ષણકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે તેમ છે અથવા તો શિક્ષકો મૂલ્યાંકનની કામગીરી કરવા માટે સરળતાથી આવન-જાવન કરી શકે છે કે નહી તે સહિતની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

ખાસ કરીને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ગીચ વસ્તીમાં હોય, ખૂબ અંતરિયાળ વિસ્તારમા પણ હોય તેની તકેદારી રાખવા તાકીદ કરવામા આવી છે. જો કોઇ શાળા પોતાને ત્યા નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરવા ઇચ્છતાં હોય તો બોર્ડના ધારાધોરણો પ્રમાણે તે યોગ્ય છે કે નહી તેની ચકાસણી કરીને તેનો અહેવાલ બોર્ડને સુપ્રત કરવા પણ જણાવવામા આવ્યુ છે. ખાસ કરીને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અનેક વિષયો હોય છે તેમાં યોગ્ય રીતે મૂલ્યાંકનની કામગીરી થાય તે જોવા માટે સૂચના આપવામાં આવી છે.

જો કોઇ સ્કૂલમાં નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવા હોય અથવા તો હાલમાં મૂલ્યાંકન કેન્દ્રો યોગ્ય હોય તો તેને રદ કરવા હોય તો આગામીી તા.૨૦મી સપ્ટેમ્બર સુધીમાં તેની દરખાસ્ત બોર્ડને મોકલી આપવા માટે જણાવવામાં આવ્યુ છે.

(12:39 am IST)