Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ટેક્ષ્ટાઇલ બજારમાં ભારતનું ૫.૬ અબજ ડોલરનું ટાર્ગેટ

સપ્ટેમ્બરમાં ગ્લોબલ ટેરી ટોવેલ એક્સપો યોજાશે : ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વારસો મહારાષ્ટ્રમાં છે

અમદાવાદ,તા.૨૯ : ધ વાઈબ્રન્ટ ટેરી ટોવેલ ગ્લોબલ એક્સપો એન્ડ સમીટ-૨૦૧૯ આગામી ૨૫મીથી ૨૭મી સપ્ટેમ્બર દરમ્યાન મહારાષ્ટ્રના સોલાપુર ખાતે યોજાશે. જેમાં કપાસ ઉગાડનારા અને ઉત્પાદકોથી ટ્રેડરો, નિકાસકારો અને આયાતકારો ટેરી ટોવેલ ઉત્પાદકો માટે માર્કેટિંગ અને નિકાસની તકોનો લાભ લેવા અને ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેનું અંતર દૂર કરવા માટે અજોડ મંચ પર એકત્ર આવશે. ધ વાઈબ્રન્ટ ટેરી ટોવેલ ગ્લોબલ એક્સપો એન્ડ સમિટ ૨૦૧૯ કર્મવીર અપ્પાસાહેબ કદાદી સાંસ્કૃતિક ભવાવ, સિદ્ધેશ્વર સહકારી શુગર ફેક્ટરી વિસ્તાર, હોટગી રોડ, સોલાપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાશે. ટેક્સટાઈલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ નેટવર્ક (ઈન્ટરનેશનલ ટ્રેડ એડવાઈઝર) સાથે સહયોગમાં આયોજિત અને સહકાર, માર્કેટિંગ અને ટેક્સટાઈલ મંત્રાલયના ટેકાથી યોજાનારા આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ટુવાલ સાથે અજોડ જેકર્ડ ગૂંથણ કરેલા ટેરી ટુવાલ અને અન્ય બાથ લિનેન પ્રોડક્ટો પ્રદર્શિત કરાશે, જે વૈશ્વિક સ્તરે વેપાર કડીઓ જોડવામાં મદદરૂપ થશે એમ ટીડીએફના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાજેશ ગોસ્કીએ જણાવ્યું હતું.

       તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ખરીદદારો મહારાષ્ટ્રના ચુનંદા પુરવઠાકારોને મળશે, જેથી તેમની આગામી પ્રાપ્તિના સોદા અને ખાનગી લેબલો પર વાટાઘાટ કરી શકશે. આ સમીટ ઉત્પાદકો અને ખરીદદારોને એક મંચ પર લાવવા સાથે સહભાગીઓ સાથે ચર્ચા અને આદાનપ્રદાન સત્રો થકી આ ક્ષેત્રની નવી ટેકનોલોજીઓ અને ઈનોવેશન્સ પણ પ્રદર્શિત કરશે. ઉપરાંત તે ઉત્પાદકોને નિકાસ બજાર માટે અજોડ પ્રોડક્ટો વિકસાવવા માટે પ્રોત્સાહન આપવા સાથે ઘરઆંગણાની અને આંતરરાષ્ટ્રીય બજારો માટે પ્રત્યક્ષ નેટર્વકિંગ તકો પણ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. દરમ્યાન ટીડીએફના પ્રેસિડેન્ટ સિદ્ધેશ્વર ગદ્દામે જણાવ્યું કે, ભારત એશિયા- પેસિફિક હોમ ટેક્સટાઈલ્સ બજારમાં તૃતીય સૌથી વિશાળ બજાર હિસ્સો ધરાવે છે, જે ભારતમાં ૨૦૧૪માં અંદાજિત ૩.૭ અબજ ડોલરનો હતો અને ૨૦૨૦ સુધી ૫.૬ અબજ ડોલરે પહોંચવા માટે ૨૦૧૫ અને ૨૦૨૦ વચ્ચે ૭.૨ ટકાની સીએજીઆરે દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામવાની ધારણા છે.

      બેડ લિનેન અને બેડ સ્પ્રેડ ૨૦૧૪માં ૨.૧ અબજ ડોલર મૂલ્યની ભારતીય હોમ ટેક્સટાઈલ્સ બજારમાં ૫૮.૧ ટકા હતી અને ૭.૪ ટકાની સીએજીઆરે વૃદ્ધિ પામીને ૨૦૧૫ અને ૨૦૨૦ વચ્ચે ૩.૩ અબજ ડોલરનો આંક વટાવીને સર્વોચ્ચ વૃદ્ધિ નોંધાવવાની ધારણા છે. બાથ અને ટોઈલટ લિનેન દ્વિતીય સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે તે વૃદ્ધિ દરની દષ્ટિએ બેડ લિનેન અને બેડ સ્પ્રેડને અનુસરવાની અપેક્ષા છે અને ૨૦૨૦ સુધી ૦.૯ અબજ ડોલરે પહોંચવા માટે ૬.૯ ટકા જીએજીઆર નોંધાવવા માટે સસજ્જ છે. નોંધનીય છે કે, ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગનો નોંધનીય વારસો મહારાષ્ટ્રમાં છે. પ્રદર્શનમાં ઉચ્ચ ગુણવત્તાના ટુવાલ મુકાશે અને વેપાર ભાગીદારીઓને પણ પ્રોત્સાહન મળશે. ૨૦ દેશમાંથી કુલ ૨૦૦ ખરીદદારો અને ૩૦૦૦થી વધુ ઘરઆંગણાના ગ્રાહકો પ્રદર્શનની મુલાકાત લેશે. આમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, હોલસેલરો અને રિટેઈલરો, કોર્પોરેટ ખરીદદારો, પરચેઝિંગ એજન્ટો, મર્ચન્ટ્સ અને નિકાસકારોનો સમાવેશ થાય છે. સમીટમાં યુકે, યુએસ, યુએઈ, કેનેડા, પોલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ન્યૂ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, યુગાંડા, કેનિયા, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પણ પધારશે એમ ટીડીએફના વાઈસ પ્રેસિડેન્ટ જયંત અકેને જણાવ્યું હતું. સહભાગીઓને ટુવાલ અને બાથ લિનેન ક્ષેત્રમાં નવી ટેકનોલોજિકલ પ્રગતિ અને ઈનોવેશન્સ વિશે અવગત કરાશે.

(9:58 pm IST)