Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદમાં વરસાદમાં બ્રેક પરંતુ રોગચાળો વધુ વકર્યો છે

ઝાડા-ઉલ્ટી, તાવ અને અન્ય સિઝનલ બિમારીઓ : અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ૫૦૭.૮ મીમી વર્ષા

અમદાવાદ, તા. ૨૯ : અમદાવાદ શહેરમાં વરસાદમાં આજે બ્રેકની સ્થિતિ રહી હતી. અલબત્ત કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ માટેની આગાહીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં હજુ સુધી ૫૦૭.૦૮ મીમી સુધીનો વરસાદ થયો છે. વરસાદમાં બ્રેકની સ્થિતિ  મુકાઈ હોવા છતાં અનેક જગ્યાઓએ મોટા ભુવા પડ્યા છે જે અકસ્માતો તરફ ઇશારો કરે છે. અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બીઆરટીએસ રુટની બાજુમાં જ પડેલા મોટા ભુવાના લીધે ટ્રાફિકને બંધ કરવાની ફરજ પડી છે.

આવી જ રીતે હાલમાં પડેલા ભારે વરસાદના લીધે રસ્તાઓની હાલત કફોડી બની છે. સાથે સાથે ભેજના માહોલમાં રોગચાળામાં પણ વધારો થયો છે. જુદા જુદા પ્રકારના રોગચાળાથી શહેરીજનો પરેશાન દેખાઈ રહ્યા છે. ખાસ કરીને વાયરલ ફિવરની અસર વધારે જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૩.૩ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહ્યું હતું. હળવા વરસાદી ઝાપટા વચ્ચે વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન આજે રહ્યું હતું. અમદાવાદમાં સિઝનલ વરસાદને લઇને તંત્ર દ્વારા પણ મુલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બીજી બાજુ હાલમાં પડેલા વરસાદ બાદ કેટલીક જગ્યાએ રસ્તાઓની હાલત પણ ખરાબ થઇ છે પરંતુ તેને ટૂંકમાં જ વ્યવસ્થિત કરવામાં આવનાર છે. હાલમાં અમદાવાદમાં વરસાદ અને ભેજના લીધે રોગચાળાનો આતંક છે. અમદાવાદમાં મોનસુનની વર્તમાન સિઝનમાં ભારે વરસાદના કેટલાક રાઉન્ડ આવી ચુક્યા છે જેના કારણે લોકોને મુશ્કેલીઓ પણ નડી છે. સાથે સાથે ઘણા વિસ્તારમાં રોડ-રસ્તા ખરાબ થઇ ચુક્યા છે. મેટ્રોનું કામ ચાલુ હોવાથી નિચાણવાળા વિસ્તારોમાં વધારે તકલીફ પડી રહી છે.

(8:56 pm IST)