Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ હજુપણ અકબંધ

પાટણ, કચ્છ, ભાવનગરમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાઈ ગયો : ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ : રાજ્યમાં સિઝનનો કુલ વરસાદનો આંકડો ૯૪.૮૯ ટકા થયો : ભુજમાં સૌથી વધુ સાડા છ ઇંચ

અમદાવાદ,તા.૨૯ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં થયો છે. પાટણમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ભાગોમાં વરસાદ થયો છે તેમાં કચ્છ અને ભાવનગરનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકના ગાળા દરમિયાન વરસાદી માહોલ ગુજરાતમાં અકબંધ રહ્યો છે. જેસલમેર, ક્વોટા, ગુના, જમશેદપુર, દિધા મારફતે મોનસુન દરિયાઈ સપાટી ઉપર પસાર થઇ રહ્યું છે જેની અસર જોવા મળી રહી છે. મધ્યમથી ભારે વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકના ગાળા દરમિયાન ૧૬૯ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાઈ ગયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૨૯મી ઓગસ્ટના સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૯ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં સાડા છ ઇંચ અને હારીજમાં સાડા ચાર ઇંચ વરસાદ થયો છે તે ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદ થયો હોવ૩ાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભુજ તાલુકામાં ૧૬૪મીમી અને હારીજમાં ૧૧૨મીમી વરસાદ ખાબક્યો છે તે ઉપરાંત ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે જેમાં ઘોઘા ૭૨મીમી, ભચાઉમાં ૭૧મીમી, સમી અને ધોળકમાં ૬૨ મીમી, ઉપલેટામાં ૬૦ મીમી, કાલાવાડમાં ૫૪ મીમી, ધ્રાંગધ્રામાં ૫૩ મીમી, વડોદરામાં બાવન મીમી, શહેરામાં ૫૧ મીમી, દેત્રોજમાં ૪૬ મીમી, બેચરાજીમાં ૪૪ મીમી, ચાણસ્મામાં ૪૩ મીમી, માણવદરમાં ૪૨ મીમી, જોટાણામાં ૩૮ મીમી, દહેગામ અને ચુડામાં ૩૬ મીમી, તલાલા અને ચોર્યાસીમાં ૩૫ મીમી, લીંબડીમાં ૩૨ મીમી, વલસાડમાં ૩૧ મીમી, ધાનેરા અને જામનગરમાં ૩૦ મીમી, અંજાર અને ગણદેવીમાં ૨૯ મીમી, કડી અને ખેડબ્રહ્મામાં ૨૮ મીમી, ધોરાજી, માંગરોળ અને સુરત શહેરમાં ૨૭ મીમી, નખત્રાણા, વઢવાણ, હળવદ અને ઉમરપાડામાં ૨૬ મીમી અને ચીખલીમાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૪.૮૯ ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ ૧૧૨.૩૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭૫.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૪.૦૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૧.૫૯ ટકા ્ને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૦૭.૭૪ ટકા વરસાદ થઇ ચુક્યો છે.

 

(8:55 pm IST)