Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ખેડા તાલુકાના કાજીપુરા નજીક બે ગમખ્વાર માર્ગ અકસ્માત: અજાણ્યા વાહનની હડફેટે બે રાહદારી મોતને ભેટ્યા: વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:તાલુકાના કાજીપુરા અને કઠલાલ તાલુકાના ખોખરવાડા નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં અજાણ્યાં વાહનોની અડફેટે બે રાહદારીઓના મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે જે તે પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અજાણ્યાં વાહનચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ અમદાવાદની ગેસ ટ્રેડીંગ કંપનીમાં ટાટા ૪૦૭ ગાડી નં જીજે ૦૧ એચટી ૭૨૧૮ પર ડ્રાઈવીંગ કરતાં બાબુભાઈ વિઠ્ઠલદાસ પટેલ (રહે.અમદાવાદ) ગતરોજ ગાડીમાં ૧૧૬ ગેસની બોટલોની માતર એજીએસ કંપનીમાં ડિલિવરી કરી અમદાવાદ પરત ફરી રહ્યાં હતાં. તે વખતે ખેડા-અમદાવાદ રોડ પર કાજીપુરા નજીક ઓરેન્જ હોટલની સામે ગાડીને પંચર પડ્યું હતું. જ્યાં બાબુભાઈ ગાડીનું પંચર કરાવી રોડ ક્રોસ કરતાં હતાં તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં અજાણ્યાં વાહનની અડફેટે આવી ગયાં હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાબુભાઈ વિઠ્ઠલદાસ પટેલ (ઉં.વ ૫૬) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગોવિંદભાઈ રામદાસ પટેલની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:35 pm IST)