Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડોદરાના હરણી રોડ પર બસમાં ચડતા મુસાફરને થયો કડવો અનુભવ: ખિસ્સા કાતરુએ પર્સ ચોર્યું: બે આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના હરણી રોડ માણેક પાર્ક સર્કલ પાસે બસમાં ચડવા જતા મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી ચોરીની રકમ રિકવર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગત ૨૩મી તારીખે હરણી રોડ માણેકપાર્ક બસ સ્ટેશન પાસે બસમાં ચડવા જતા મુસાફરના ખિસ્સામાંથી બે આરોપીઓએ રોકડા ૧૧,૫૦૦ રૃપિયા કાઢી લીધા હતા. જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન પીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી બંન્ને ખિસ્સા કાતરૃને બદામડી બાગ પાસેથી ઝડપી પાડયા હતા. પીસીબીએ બંન્ને આરોપીઓ ૧. મહંમદહનીફ મહોમદભાઇ શેખ અને ૨. લતીફશા ભીખનશા દિવાન (બંન્ને રહે. પાણીગેટ રાજારાણી તળાવ પાસે) ની શકમંદ હાલતમાં અટકાયત કરી હરણી પોલીસને સોંપી દીધા છે.

(5:26 pm IST)