Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ઉપર ધર્મના નામે ધતિંગ કરવાના આરોપ બાદ તેને બચાવવા ભક્તો આવ્યાઃ માતાએ કેન્સરનો ઇલાજ પણ કર્યાનું નિવેદન

સુરત :ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ખોટા છે. ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે.

પત્રકાર પરિષદમાં માતાનો સેવક વિનોદ પટેલે કહ્યું કે, બધા માડી વિશે ખરાબ બોલે છે તે વિશે મને દુખ થાય છે. કેન્સરનું નિરાકરણ લાવ્યાના ચમત્કાર પણ માડીએ બતાવ્યા છે. માડી વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. માડી ભાગી નથી ગયા. માડી તેમના નિવાસ સ્થાને છે. આવશે અમને વિશ્વાસ છે. માજી હજી પણ સામે આવશે, અને તમામ સવાલોના જવાબ આપશે. એવુ પણ બને કે તેઓ આરાધના કરવા બેસ્યા હોય.

ભક્તોએ માતાના ચમત્કાર કર્યા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. માતા ચમત્કાર કરે છે. માડી કોઈ મહિલાને જોઈ શકે એટલા માથે ઘૂંઘટ આગળ રાખે છે. જેને માનવું હોઈ માને, માનવુ હોઈ માને.

પત્રકાર પરિષદમાં ભક્તોએ ઢબુડી માતા દ્વારા પોતાને થયેલા ચમત્કાર પણ કહી બતાવ્યા હતા. એક ભક્તે જણાવ્યું હતું કે, માડીના આશીર્વાદથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તો બીજાએ કહ્યું કે, માતાના આર્શીવાદથી અઢી વર્ષની મારી બીમારી દૂર થઈ હતી.

(4:43 pm IST)