Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ફરી ભીંજાવા તૈયાર રહેજો આવતા અઠવાડીયે વરસાદી ધબધબાટી

વિધ્નહર્તા ગણેશ અને જળદાતા મેઘરાજાની સપ્ટેમ્બરના પ્રારંભે સાથે જ જમાવટ કરે તેવો હવામાન શાસ્ત્રીઓનો વર્તારો : સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદના સંજોગોઃ આ વર્ષે મેઘરાજાએ પણ વરસવામાં ભૌગોલિક સંતુલન જાળવ્યું

રાજકોટ, તા.૨૯: ગુજરાતમાં ઓગષ્ટમાં ભરપુર વ્હાલ વરસાવ્યા બાદ હવે મેઘરાજાની સપ્ટેમ્બરમાં પણ જોરશોરથી વરસે તેવા એંધાણ હવામાન ખાતાએ રાજય સરકારને આપ્યા છે. સપ્ટેમ્બર પ્રારંભે ખાસ કરીને તા.૩ થી પ આસપાસ ગુજરાતમાં વ્યાપક વરસાદ થાય તેવું હવામાન શાસ્ત્રીઓનું માનવુ છે. નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વિશેષ રહેશે.

સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વખતે સપ્ટેમ્બર પણ વરસાદનો મહિનો બની રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૫ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થાય તેવી શકયતા છે.

આ વર્ષે મેઘરાજાએ રાજયના તમામ ઝોનમાં ૭૦ ટકાથી વધુ વરસાદ વરસાવ્યો છે. સંતુલિત અને પ્રમાણમાં સલામત રીતે વરસાદ વરસ્યો છે. સપ્ટેમ્બરના પ્રારંભે ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. વિધ્નહર્તા અને જળ દાતા એક સાથે જમાવટ કરે તેવા અત્યારના એંધાણ છે.

(7:16 pm IST)