Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અરવલ્લીના માલપુર તાલુકામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા જળાશયોમાં ગપ્પી માછલી છોડાઈ

રહેણાંક વિસ્તારોમાં પાણી સંગ્રહના સ્થળોએ ગપ્પી માછલીઓ છોડાઈ

અરવલ્લી જીલ્લામાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ તથા મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માલપુર તાલુકા આરોગ્ય કચેરી સજ્જ બની છે. આ માટે તંત્ર દ્વારા તાલુકાના તમામ જળાશયો અને રહેણાંક વિસ્તારોમાં પાણી સંગ્રહના સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવી છે.

માલપુર તાલુકા આરોગ્ય અધિકારી ગોસ્વામીના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા બાયોલોજીકલ કંટ્રોલ મેથડ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત ગપ્પી માછલીઓ છોડવાની કામગીરી હાથધરવામાં આવી છે. ગપ્પી માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છરોના પોરા છે. મચ્છરોનું બ્રીડીંગ થતું હોય તેવા સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવતા મચ્છરોની ઉત્તપત્તિને જડમુળ માંથી જ ડામી શકાય છે. જે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રજાજનો દ્વારા સંગ્રહિત થતા પાણીના સ્થળોએ જેવા કે પાણીના ટાંકા, ભૂગર્ભ ટાંકા, તાલુકામાં આવેલા તમામ જળાશયો અને પાણી સંગ્રહ થતા તમામ સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવી છે. માલપુર તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે પુરજોશમાં પોરોનાશક કામગીરી,સ્પ્રેયિંગ અને ફોગીંગ ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

(1:23 pm IST)