Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાત-રાજસ્થાન અને દિલ્હી સુધી શીકલીગર ગેંગે ધાડ-લૂંટ દ્વારા હાહાકાર મચાવેલો

વડોદરા એસપી તરૂણ દુગ્ગલની ટીમ દ્વારા ઘાતક હથીયારો સાથે કુવિખ્યાત ગેંગના પાંચ સભ્યો ડભોઇમાં ધાડ પાડે તે પહેલા શિફત પૂર્વક ઝડપી લેવાયા

શીકલીગર ગેંગ પાસેથી ઝડપાયેલ મુદામાલ સાથે વડોદરા એસપી તરૂણ દુગ્ગલ દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ૨૯: વડોદરા શહેર અને જીલ્લા તથા અમદાવાદ શહેર જીલ્લા સમગ્ર ગુજરાત સહિત દિલ્હી અને રાજસ્થાન ખાતે અગાઉ ધાડ-લૂંટ અને ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલી આંતરરાજય એવી  શીકલીગર ગેંગને તમંચા અને એરગન સહિતના ઘાતક હથીયારો સાથે એક કારમાંથી વડોદરા રૂરલના એસપી તરૂણ દુગ્ગલના માર્ગદર્શનમાં એલસીબીએ કોઇ ભયંકર ગુન્હાઓ આચરે તે પહેલા જ ઝડપી લેતા વડોદરા રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમા  સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ટીમની પીઠ થાબડી છે.

વડોદરા રૂરલ એસપી તરૂણ દુગ્ગલને મળેલી ચોક્કસ બાતમી આધારે એક મારૂતી  કારને અટકાવી તેમાં બેઠેલાઓની પૂછપરછ  કરતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. કારમાં કુવિખ્યાત શીકલીગર ગેંગના સભ્યો હતા અને ડભોઇ તરફ ધાડ પાડવા જતા હોવાનું પ્રાથમીક તપાસમાં જ ખુલવા પામેલ.

ગાડીની તલાશી કરતા હાથ બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ, એરગન, તથા મિલ્કત વિરોધી ગુન્હાઓ માટે વપરાતા સાધનો , લોખંડની કટાર, લોખંડનો ગણેશીયો, તાર તથા લોખંડ કાપવાનું કટર તથા મોબાઇલ ફોન રોકડ અને ગાડી મળી ૮ લાખ ૧૬ હજારનો મુદામાલ કબ્જે કરેલ.

પકડાયેલા આરોપી કિશનસિંગ, સમ્રાટસિંગ, શહેનશાહસિંગ, અનીલસિંગ, શૈલેષ પરમાર વિગેરેની વડોદરા રૂરલ એસપી તરૂણ દુગ્ગલે ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. એક એવી હકિકત પણ બહાર આવી છે કે આ ગેંગે એક મહિલા પીએસઆઇના સસરાને ત્યાં પણ ર૦ દિ' અગાઉ ચોરી કરી હતી. આરોપીઓએ અન્ય કઇ-કઇ જગ્યાએ ધાડ-લૂંટ જેવા ગુન્હા આચર્યા છે? તેની તમામ વિગતો રિમાન્ડ દરમિયાન મેળવાશે તેમ વડોદરા એસપી તરૂણ દુગ્ગલે જણાવ્યું છે.

(1:19 pm IST)