Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરતમાં પન્ના માઈન્સના ૨૫ હજાર કેરેટ ડાયમંડની હરરાજી થશે

ધ જેમ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ દ્વારા

રાજકોટ, તા. ૨૯ : હિરાનગરી સુરતમાં સૌપ્રથમવાર માઈનીંગ કંપની દ્વારા રફ હિરાની હરરાજી યોજાવા જઈ રહી છે. એમપીની પન્ના માઈન્સના ૨૫ હજાર કેરેટ હીરાનું ગુજરાત હિરા બુર્સ ખાતે યોજાશે.

ધી જેમ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીજયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા અખબારી યાદીમાં જણાવે છે કે કાઉન્સીલ દ્વારા ગુજરાત હિરા બુર્સ, ઈચ્છાપોર ખાતે તૈયાર કરવામાં આવેલ સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેની સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન માટેની અરજી કસ્ટમ્સ વિભાગમાં ચકાસણી હેઠળ છે અને હાલમાં જ કસ્ટમ્સ વિભાગ દ્વારા તેની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં તૈયાર કરજામાં આવેલી વ્યવસ્થાની જાત તપાસ કરેલ છે અને તેનો રીપોર્ટ આગળ દિલ્હી ખાતે મોકલવામાં આવશે.

આ ઉપરાંત પન્ના માઈન્સના પ્રોડ્યુસર એન.એમ.ડી.સી. લીમીટેડ દ્વારા પણ આ સુવિધાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સીલના સભ્યો માટે અવલોકન યોજવામાં આવનાર છે અને ત્યારબાદ તેની ઓનલાઈન પોર્ટલ દ્વારા હરાજી કરવામાં આવશે. જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માગતા હોય તેઓને કાઉન્સીલનું સભ્યપદ મેળવી લેવા માટે અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લીમીટેડ દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે અને ત્યારે કાઉન્સીલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ છે.

અંદાજે ૨૫૦૦૦ કેરેટનું પ્રથમ ઓકશન સુરત ખાતે કરવામાં આવનાર છે અને ત્યારબાદ પ્રતિ ૨-૩ માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન તથા હરાજી કરવામાં આવે તેવી શકયતા છે તે માટે રસ દાખવ્યો છે. આ વ્યવસથા થકી સુરત અને ગુજરાતના હિરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનુ પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હિરા ઉદ્યોગને થશે.

(1:16 pm IST)