Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રાજય સરકારના કર્મચારીઓને બઢતી માટે પસંદગી યાદીની પધ્ધતિમાં ફેરફાર

ઓછામાં ઓછો ૪ વર્ષનો ખાનગી અહેવાલ 'વેરી ગુડ' જોઇશેઃ પરિપત્ર પ્રસિધ્ધ

ગાંધીનગર તા. ર૯ :.. રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગે વર્ગ ર અને ૩ ના કર્મચારીઓની બઢતી સબંધી પસંદગી યાદી બનાવવા તા. ર૩ ઓગષ્ટે માર્ગદર્શક પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ ૧ ની બીજા તબક્કાની જગ્યા પરથી ઉપલી જગ્યા પર બઢતી આપવા માટે અધિકારીના છેલ્લા પાંચ વર્ષના ખાનગી અહેવાલો-પીએઆર ને ધ્યાનમાં લેવાના રહેશે. આ પાંચ વર્ષના ખાનગી અહેવાલો-પીએઆર પૈકી તમામ પાંચ વર્ષના ખાનગી અહેવાલ 'ઘણી સારી' ગુણકક્ષા સંતોષતા હોવા જોઇશે, કોઇપણ વર્ષના ખાનગી અહેવાલ-પીએઆર માં વિરૂધ્ધ નોંધ હોવી જોઇશે નહીં. વિચારણા હેઠળના કોઇ અધિકારીના છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમ્યાન જો તે લાંબી રજા પર રહ્યા હોય કે ફરજ મોકૂફી હેઠળ રહ્યા હોય અથવા તેના ખાનગી અહેવાલો-પીએઆર લખનાર અધિકારી કે સમીક્ષક અધિકારી બદલાવાથી કે અન્ય કોઇપણ કારણસર અલગ અલગ સમયગાળાના કુલ એક વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે ખાનગી અહેવાલો-પીએઆર ન લખાયા હોય તો તેટલા સમયગાળા માટે પાંચ વર્ષ પુર્વેના ખાનગી અહેવાલો-પીએઆર ધ્યાને લેવાના રહેશે.

જો કોઇ કિસ્સામાં વિચારણા હેઠળના પાંચ વર્ષો પૈકી કોઇપણ એક વર્ષમાં બે કે વધુ સમયગાળા માટે જુદા જુદા ખાનગી અહેવાલ-પીએઆરમાં સારા, ઘણા સારા,  કે ઉત્તમ પૈકી જે મુલ્યાંકન કરવામાં આવ્યું હોય તે મુલ્યાંકનને તે વર્ષના સમગ્ર સમયગાળા માટે ગણી શકાશે.

(11:29 am IST)