Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સભ્ય નોંધણીમાં ભાજપના બે 'છેડા' ભેગા થતા નથીઃ લક્ષ્યાંક અધૂરા

જામનગર શહેરમાં ૬૦ હજારના લક્ષ્યાંક સામે માત્ર ૩૨ હજાર સભ્યો નોંધાયાઃ મોરબીમાં લક્ષ્યાંક કરતા ૧૩ હજાર સભ્યો ઓછાઃ રાજકોટ શહેરનો પનો પણ ટૂંકો પડયો, ૧,૩૬,૦૦૦ના લક્ષ્યાંક સામે ૯૦ હજાર જેટલી નોંધણીઃ જિલ્લાએ ૧,૭૨,૦૦૦નો 'જાદુઈ' આંક પાર કરી દીધો ! જૂનાગઢ શહેરમાં માત્ર ૪૦ ટકા કામગીરી

રાજકોટ, તા. ૨૯ :. ભાજપ દ્વારા દેશવ્યાપી સંગઠન પર્વ (સભ્ય નોંધણી) ચાલી રહ્યુ છે. ગુજરાત ભાજપે ગયા વખત કરતા આ વખતે ૫૦ ટકા વધુ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક જાહેર કરેલ. સભ્ય નોંધણીની જાહેર કરાયેલ મુદત પુરી થઈ ગઈ હોવા છતા હજુ અનેક શહેર-જિલ્લામાં લક્ષ્યાંક અધૂરા હોવાની માહિતી આવી રહી છે. ઠેર-ઠેર સભ્ય નોંધણી માટે પ્રયાસો છતા હજુ બે છેડા ભેગા થતા નથી. જેટલી સભ્ય નોંધણી થઈ છે તેટલી વાસ્તવિક છે તેમ માની લઈએ તો પણ લક્ષ્યાંકથી ઘણી દૂર છે.

જામનગર શહેરમાં ૬૦,૦૦૦ જેટલા સભ્યો નોંધવાના લક્ષ્યાંક સામે ૩૨૦૦૦ જેટલા નોંધાયાનું જાણવા મળે છે. રાજકોટ શહેરમાં ૩ વિધાનસભા મળી ૧,૩૬,૦૦૦ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક અપાયેલ. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને મળી ૯૦,૦૦૦ જેટલા જ સભ્યો નોંધાયાનું જાણવા મળે છે. ભાજપમાં રાજકોટ શહેરનું સંગઠન મોડેલ ગણાય છે ત્યાં આ સ્થિતિ છે. રાજકોટ જિલ્લાને ૧,૭૨,૦૦૦નો લક્ષ્યાંક અપાયેલ. તેની સામે પોણા બે લાખ જેટલા સભ્યો નોંધાયાનું જણાવાયુ છે. જિલ્લા ભાજપની કામગીરી ચર્ચાની એરણે છે. જૂનાગઢ શહેરમાં ૫૭૦૦૦ના લક્ષ્યાંક સામે ૨૨૦૦૦ જેટલા સભ્યો નોંધાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ તે માત્ર ૪૦ ટકા જેટલી જ કામગીરી થાય છે. જૂનાગઢ જિલ્લામાં ૧,૧૩,૦૦૦ના લક્ષ્યાંક સામે કામગીરી અડધે જ પહોંચી હોવાનું જાણવા મળે છે. પોરબંદર અને કુતિયાણા વિધાનસભામાં ૫૦,૦૦૦ના લક્ષ્યાંક સામે ૨૫,૦૦૦ સભ્યો પણ નોંધાયા નથી. ભાજપના પ્રદેશ પ્રમુખના ભાવનગર શહેરની બન્ને વિધાનસભામાં ૧,૦૦,૦૦૦ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક થયેલ તેમા હજુ ૧૦,૦૦૦ જેટલા સભ્યો ખુટે છે.

૧૧ જુલાઈથી ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરાયેલ. ૧૦ ઓગષ્ટે મુદત પુરી થયા બાદ ૨૦ ઓગષ્ટ સુધીની મુદત વધારી આપવામાં આવેલ. ફરી મુદત વધારવામાં આવી છે. નવી મુદત જાહેર કરવામાં આવી નથી પરંતુ અત્યારે સભ્ય નોંધણી ચાલુ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું પ્રભુત્વ હોવા છતા અને રાજકીય સુવર્ણકાળ હોવા છતા સભ્ય નોંધણીમાં ભાજપને પગે પાણી ઉતરી રહ્યા છે.(૨-૬)

(11:28 am IST)