Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતનો સરેરાશ વરસાદ સદી (૯૪.૮૯ ટકા) તરફ

આજે સવારમાં ૭ તાલુકાઓમાં મેઘરાજા દેખાયાઃ સૂત્રાપાડામાં પોણો ઈંચ, પોસીના (સાબરકાંઠા)માં અડધો ઈંચઃ ઉના-સિદ્ધપુરમાં ઝાપટાઃ કુલ ૨૫૧ પૈકી ૨૪૭ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ વરસાદઃ ૫૫ તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદઃ સૌથી વધુ કચ્છમાં ૧૧૨.૩૨ ટકાઃ સૌરાષ્ટ્રમાં ૮૧ ટકા

રાજકોટ, તા. ૨૯ :. ગુજરાતને વરસાદની બાબતમાં વર્ષ ૨૦૧૯ ફળ્યુ છે. ઓગષ્ટના મુશળધાર વરસાદે છેલ્લા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જૂન-જુલાઈમાં મેઘરાજાએ ચિંતા કરાવ્યા બાદ ઓગષ્ટમાં ભરપુર કૃપા વરસાવી છે. ગુજરાતનો આજ સવાર સુધીનો સરેરાશ વરસાદ ૯૪.૮૯ ટકા થઈ ગયો છે. સદી પુરી થવા તરફ છે. ઈંચની દ્રષ્ટિએ રાજ્યમાં સરેરાશ ૩૨ ઈંચ જેટલો વરસાદ થયો છે. હજુ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

આજે સવારમાં ૭ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. સુત્રાપાડામાં સવારે ૬ થી ૮ વચ્ચે પોણો ઈંચ જેટલો અને સાબરકાંઠાના પોસીનોમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો છે. ઉપરાંત ઉના, સિદ્ધપુર, લખપત, ભાવનગરના મહુવા અને જૂનાગઢના મેંદરડામાં આજે સવારે ઝાપટા પડયા છે.

રાજ્યના કુલ ૨૫૧ પૈકી ૨૪૭ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડયો છે. એક પણ તાલુકો દુષ્કાળની વ્યાખ્યામાં (૫ ઈંચથી ઓછો) રહ્યો નથી. ૫૫ તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. હજુ સપ્ટેમ્બર મધ્ય સુધી ચોમાસુ ગણાય છે. કાયમ પાણીની અછત અનુભવતા કચ્છ વિસ્તારમાં આ વખતે રાજ્યનો સરેરાશ સૌથી વધુ ૧૧૨.૩૨ ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં ૮૧.૫૯ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૬ ટકા વરસાદ છે. મધ્ય ગુજરાતમાં ૯૪.૯૩ ટકા વરસાદ થયો છે. ૧૦૭.૭૪ ટકા સાથે દક્ષિણ ગુજરાત વરસાદના પ્રમાણની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે છે. મોટા ભાગના ડેમોમાં સંતોષકારક જળજથ્થો આવતા અને રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં જળ સપાટી ૧૩૪ મીટરે પહોંચતા આવતા આખા વર્ષનો રાજ્યના લગભગ વિસ્તારોનો પીવાના પાણી પ્રશ્ન હલ થઈ ગયો છે.

વિસ્તાર

ટકા

સૌરાષ્ટ

૮૧.૫૯

કચ્છ

૧૧૨.૩૨

ઉત્તર ગુજરાત

૭૫.૮૬

દક્ષિણ ગુજરાત

૧૦૭.૭૪

મધ્ય ગુજરાત

૯૪.૯૩

સમગ્ર ગુજરાત સરેરાશ

૯૪.૮૯

(9:55 am IST)