Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વસ્ત્રાલમાં ભાજપના હોદ્દેદાર અને વેપારી જ્યંતિ ગઢિયા ગુમ

વાંધો કલીયર કરી આપશો, નહી તો લાશ મળશે : સાણંદ દર્શન કરવા જવાનું કહીને ગયા બાદ આવ્યા નથી

અમદાવાદ,તા.૨૮ : શહેરના વસ્ત્રાલમાંથી જયંતી ગઢીયા નામના વેપારી અને ભાજપના નેતા ગુમ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ છે. તેમણે લીધેલા શેડમાં ઈલેક્ટ્રિસિટી ન હોવાથી અને શેડનો મામલો કોર્ટમાં હોવાના કારણે તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું અનુભવતા તેઓ ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે જો કે, ગુમ થયેલા જયંતીભાઈ એક ચિઠ્ઠી પણ લખીને ગયા છે. જેમાં તેમણે લખ્યું છે કે, મને તમે વાંધો ક્લિયર આપશો, નહીંતર અમદાવાદના કોઈ ખૂણામાંથી મારી લાશ મળશે. જેને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી જંયતી ગઢીયાની શોધખોળ શરૂ કરી છે. જો કે, ભાજપના હોદ્દેદાર ગુમ થતાં ભાજપના સ્થાનિક વર્તુળમાં પણ ભારે ચર્ચા ચાલી છે.

        વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી અને સ્થાનિક વિસ્તારમાં ભાજપના હોદ્દેદાર એવા જયંતી ગઢીયાને લઇ તા.૨૨ ઓગસ્ટના રોજ તેમના પુત્ર કૃણાલ દ્વારા રામોલ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, તેના પિતા સાણંદ દર્શન કરવા જવાનું કહી નીકળી ગયા છે અને હજુ સુધી પરત આવ્યા નથી. તપાસ દરમ્યાન પોલીસને એક ચિઠ્ઠી મળી આવી છે. આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે તેમણે મહેન્દ્ર કાનજીભાઈ પટેલ પાસેથી શેડ ખરીદ્યો હતો. આ શેડ જ્યારે ખરીદ્યો ત્યારે મહેન્દ્ર પટેલે શેડમાં ઈલેક્ટ્રિસિટી લાઈન નખાવી આપવાનું લેખિતમાં આપ્યું હતું.

     પરંતુ તેઓ તેની શરતોનું પાલન કરતા ન હોવાથી હું ખૂબ જ કંટાળી ગયો છું. મને તમે વાંધો ક્લિયર આપશો, નહીંતર અમદાવાદના કોઈ ખૂણામાંથી મારી લાશ મળશે. આ મામલે અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ શેડમાં લાઈટ આવી નહોતી. ત્યારબાદ બાદ જયંતીભાઈને ખ્યાલ આવ્યો હતો કે, તે શેડમાં અન્ય એક ભાગીદાર પણ છે. તેમણે ચિઠ્ઠીમાં આગળ લખ્યા મુજબ, હાલ શેડનો મામલો કોર્ટમાં રહ્યો છે. જેથી શેડમાં કારણે ઈલેક્ટ્રિસિટી આવી શકતી નથી અને જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. જેને પગલે ડીઝલનો ઉપયોગ કરવો પડે છે અને હજારો રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડે છે. જ્યારે મારા પરિવારને મારો સંદેશ છે કે મારા મિત્રોનો સહારો લેજો અને આ જગ્યા ક્લિયર કરાવજો. પોલીસે હવે સમગ્ર મામલામાં સીસીટીવી ફુટેજ અને સંબંધિત લોકોની પૂછપરછ કરી જયંતિ ગઢિયાની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:57 pm IST)