Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતમાં કોંગો ફિવરનો આતંક : ૩ મહિલાના મોત

કોંગો ફિવરથી અનેક લોકો અસરગ્રસ્ત થયા છે : બે ડોક્ટર સહિત આઠના રિપોર્ટ નેગેટિવઃ કોંગો ફિવરના ફેલાવવાને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલા

અમદાવાદ, તા.૨૮ :     રાજ્યમાં હાલ કોંગો ફિવર માથું ઉંચકી રહ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયા અને લીલાબેન સિંધવના કોંગો ફિવરથી મોત થયા બાદ આજે ભાવનગરમાં અમુબેન નામની વધુ એક મહિલાનું મોત થયું છે.  આમ, કોંગો ફિવરના ભરડામાં અત્યારસુધી ત્રણ મહિલાના મોત નોંધાતાં રાજય આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. બીજીબાજુ, ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. હાલ કોંગો ફિવરના લક્ષણ ધરાવતા નવ લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં હળવદના ૩, એક રાયખડનો યુવાન, બે ડૉક્ટર, ૨ પેરા મેડિકલ સ્ટાફ અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે. જો કે, આજે બપોર બાદ હળવદના ત્રણ, બે ડોકટર, બે પેરા મેડિકલ, અને એક અમદાવાદના દર્દીઓના કોંગોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

       પ્રાથમિક રિપોર્ટમાં તેઓને કોંગો ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જામડીના કુમર બેન સિંધવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ તા.૨૦ ઓગસ્ટે કોંગો ફિવરના કારણે મૃત્યુ પામેલા લીલાબેન સિંધવના સાસુ કુમરબેન સિંધવ(ઉ.વ ૯૫) ને તા.૨૫ ઓગસ્ટે લીંબડીથી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને રીબાવેરિન નામની દવા આપવામાં આવી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગરથી દર્દીનો રિપોર્ટ પૂનાની લેબમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેમનો કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે પણ પોતાનો રિપોર્ટ પૂના મોકલ્યો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જ્યારે તેની સારવાર કરનાર નર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.  દરમ્યાન ભાવનગરના કમળેજ ગામની ૨૫ વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા તેને ગત તા.૨૨ ઓગસ્ટના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેના લોહીના નમૂના લઇ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ રાત્રે બે વાગ્યે તેણીનું મોત થયું હતું. જેથી ફરજ પરના તબીબે તેને શંકાસ્પદ કોંગો ફિવરને કારણે મોત થયાનું જાહેર કર્યું હતું.

       પરંતુ ગઇકાલે પૂનાથી રિપોર્ટ આવ્યો તેમાં સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું કે, મહિલાનું મોત કોંગો ફિવરના કારણે નીપજ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોનો કહેર વકરી રહ્યો હોવાછતાં આરોગ્ય તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. હાલ રોજ કોંગો ફીવરના એકથી બે નવા કેસ સામે આવી રહ્યા છે. જેને પગલે કોંગો ફીવરનો અલાયદો વોર્ડ ઉભો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામમાં જ ત્રણ મહિલાને કોંગો પોઝિટીવ અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જેમાંથી સુખીબેન મેણીયા અને લીલાબેન સિંધવના મોત થયા છે. જ્યારે લીલાબેન સિંધવના સાસુ કુમરબેનની સારવાર ચાલી રહી છે. કોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે. કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે.

કોંગો ફિવરના લક્ષણ...

અમદાવાદ, તા. ૨૮

*        માથું દુઃખવું

*        સતત તાવ આવવો

*        પીઠમાં દુઃખાવો

*        સાંધા-પેઢુમાં દુઃખાવો

*        ઊલટીઓ થવી

*        આંખ ફરતે ચકામા પડવા

*        ચહેરા પર કરચલીઓ પડવી

*        ગળું છોલાઈ જવું, લાલ ચકામાં

(8:53 pm IST)