Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદ : સિઝનમાં હજુ સુધી ૨૦ ઇંચ વરસાદ થયો

વરસાદી માહોલ અમદાવાદમાં પણ અકબંધ રહ્યો : હાલ વરસાદ અને નમીના માહોલમાં જુદા જુદા વાયરલ રોગચાળાનો આતંક : સાવચેતીના તંત્ર દ્વારા વિવિધ પગલા

અમદાવાદ, તા. ૨૮ : અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જારી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે હળવા વરસાદની શરૂઆત થયા બાદ સવારમાં પણ અનેક જગ્યાઓએ ધીમીગતિએ અને કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ થયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પણ હજુ એક અથવા બે વરસાદના ઝાપટાઓનો દોર જારી રહી શકે છે. બીજી બાજુ ભારે વરસાદ માટેની ચેતવણીમાં હવે અમદાવાદનો સમાવેશ રહ્યો નથી જેથી આંશિક રાહત મળી છે. જો કે, મધ્યમથી ભારે વરસાદી ઝાપટાનો દોર અમદાવાદ શહેરમાં પણ જારી રહી શકે છે. આજે સવારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

      દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને વરસાદી માહોલ રહ્યો હતો. અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ૫૦૭.૩ મીમી સુધીનો વરસાદ થયો છે. અમદાવાદમાં મોનસુનની વર્તમાન સિઝનમાં ભારે વરસાદના કેટલાક રાઉન્ડ આવી ચુક્યા છે જેના કારણે લોકોને મુશ્કેલીઓ પણ નડી છે. સાથે સાથે ઘણા વિસ્તારમાં રોડ-રસ્તા ખરાબ થઇ ચુક્યા છે. મેટ્રોનું કામ ચાલુ હોવાથી નિચાણવાળા વિસ્તારોમાં વધારે તકલીફ પડી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ગાજવીજ સાથે ઝાપટાની સાથે સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

     અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહ્યું હતું. હળવા વરસાદી ઝાપટા વચ્ચે વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન આજે રહ્યું હતું. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૫૦૭.૩ મીમી વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદમાં સિઝનલ વરસાદને લઇને તંત્ર દ્વારા પણ મુલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બીજી બાજુ હાલમાં પડેલા વરસાદ બાદ કેટલીક જગ્યાએ રસ્તાઓની હાલત પણ ખરાબ થઇ છે પરંતુ તેને ટૂંકમાં જ વ્યવસ્થિત કરવામાં આવનાર છે. હાલમાં અમદાવાદમાં વરસાદ અને ભેજના લીધે રોગચાળાનો આતંક છે.

(8:50 pm IST)