Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી ભયજનક સ્તરથી પણ ઉપર

આસપાસના કાંઠા વિસ્તારના ગામો એલર્ટ કરાયા : ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી ૨૮ ફૂટે : ગુજરાતમાં ૩૨ જળાશયો છલકાયા : ૫૭ જળાશયોમાં પુષ્કળ પાણી

અમદાવાદ,તા.૨૮ : ગુજરાતમાં અવિરત વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે પાણીની આવક તમામ જળાશયોમાં વધી રહી છે. રાજ્યમાં સરેરાશ ૯૩.૫૪ ટકા સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ૩૨ જળાશયો છલકાઈ ચુક્યા છે.  સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૮૪.૮૪ ટકા પાણીનો જથ્થો થઇ ચુક્યો છે. ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા છે. ૨૨ જળાશય ૫૦થી ૭૦ ટકા સુધી ભરાઈ ગયા છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે હજુ સુધી એટલે કે ૨૮મી ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ ૨૦૪ જળાશયો પૈકી ૩૫ જળાશયો ૩૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. ૩૨ જળાશયો છલકાયા છે.

     ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશય ૫૦થી ૭૦ ટકા સુધી ભરાયા છે. સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહશક્તિના ૮૪.૮૪ ટકા પાણી ભરાયું છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ ૫૦૦૦ ક્યુસેક તથા તેથી વધુની પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૫૨૧૬૨૯ ક્યુસેક પાણી છે જ્યારે વળાંકબોરીમાં પણ જંગી જથ્થો રહેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩.૫૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૧.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૨.૫૫ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૫૦ એમ રાજ્યમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહ કરાયેલો પાણીનો કુલ જથ્થો ૪૦૪૩૨૪.૯૭ મીટર સુધી પહોંચી ગયો છે.

      બીજી બાજુ રાજ્યમાં અતિ ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. જુદા જુદા ઝોનની વાત કરવામાં આવે તો કચ્છ ઝોનમાં ૧૦૩.૦૪ ટકા વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને ઓરસંગ નદીમાં ઘોડાપુરના પગલે ભરુચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી ૨૮ ફુટ સુધી પહોંચી ગઇ છે જેથી ભરુચ અને અંકલેશ્વરના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સરદાર સરોવરની ડેમની હાલની સપાટી ૧૩૪.૦૬ મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમ તેની મહત્તમ ૧૩૮ મીટરની સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી હજુ પણ ૪.૬૦ લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેથી ડેમના ૨૩ દરવાજા ૩.૫ મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં ૪.૨૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી છે જેથી ભરુચ, અંકલેશ્વર અને ઝઘડિયા ગામના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ગુજરાતમાં વરસાદ.....

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાતમાં હજુ સુધી ઉલ્લેખનીયરીતે ૯૩ ટકાથી વધુ વરસાદ થઇ ચુક્યો છે. ગુજરાતના જુદા જુદા ઝોનની વાત કરવામાં આવે તો ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

ઝોન    વરસાદ (ટકામાં)

ઉત્તર ગુજરાત   ૯૪

પૂર્વ મધ્ય ગુજરાત       ૯૩.૧૫

સૌરાષ્ટ્ર ૮૦.૦૬

દક્ષિણ ગુજરાત  ૧૦૭.૦૨

રાજ્યમાં સરેરાશ         ૯૩.૫૪

(8:48 pm IST)