Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વિશ્વામિત્રીની સપાટી વધીને ૧૬.૫૦ ફૂટ પર પહોંચી છે

વડોદરામાં એનડીઆરએફની ૫ાંચ ટીમો સ્ટેન્ડ બાય : આજવા ડેમની સપાટી ઘટી ૨૧૨.૨૫ ફૂટ થઇ : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૮ : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વરસેલા સારા વરસાદને પગલે સતત વધી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ ૧૬.૫૦ ફૂટ ઉપર પહોંચી ગઇ છે. આજે પણ વડોદરામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. વિશ્વામિત્ર નદીની જળસપાટી ફરી એકવાર વધતાં અને હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર અને સ્થાનિક અધિકારીઓ પણ સાબદાં બન્યા છે.

    ખાસ કરીને વડોદરામાં એનડીઆરએફની પાંચ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો કે, આજવા ડેમની સપાટી મોડી રાત સુધી વધ્યા બાદ સવારથી ઘટવાની શરૂઆત થઇ છે. આજવા ડેમની સપાટી હાલ ઘટીને ૨૧૨.૨૫ ફૂટ થઇ છે. જેથી તંત્ર અને લોકોએ કંઇક અંશે રાહતનો શ્વાસ લીધો છે. વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં હજુ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. એન.ડી.આર.એફ દ્વારા ગુજરાતમાં આઠ ટીમો મૂકવામાં આવી છે, જ્યારે વડોદરામાં પાંચ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.

(8:46 pm IST)