Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

બોયફ્રેન્ડનો જન્મદિવસ હોવાથી પાલડી વિકાસગૃહમાંથી બે સગીરા દીવાલ કૂદીને ભાગી

એક સગીરા તેના ઘર પાસેથી મળી :બીજી સગીરાની શોધખોળ ચાલુ

અમદાવાદના પાલડી વિકાસગૃહ ફરી વિવાદમાં આવ્યું છે. બે સગીરા દીવાલ કૂદીને ભાગી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જેમાંથી એક સગીરાની ભાળ મેળવી તેને ફરી વિકાસગૃહને સોંપવામાં આવી છે. બંને સગીરાના બોયફ્રેન્ડનો જન્મદિવસ હોવાથી ભાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
   આ અંગે મળતી વિગત મુજબ પાલડી વિસ્તારમાં આવેલું વિકાસગૃહની ગૃહમાતા દક્ષાબહેન ભાવસારે પાલડી પોલીસસ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 25 ઓગસ્ટના દિવસે સાંજે સાતેક વાગ્યે તેઓ સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યારબાદ 26મીએ સવારે પરત આવતા એક કર્મચારીએ જણાવ્યું કે 16 વર્ષની બે સગીરા વિકાસગૃહમાં જણાતી નથી. જેથી ત્યાં શોધખોળ હાથ ધરી હતી

    બાદમાં સીસીટીવી ચેક કરતા સવારે સાત વાગ્યે દવાખાના પાછળ ના દરવાજાની પાસે આવેલી દીવાલ કૂદીને જતી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પરિવારને જાણ કરી તેમાં એક સગીરા તેના ઘર પાસેથી મળી આવી હતી.પણ બીજી સગીરા ન મળતા પાલડી પોલીસને જાણ કરી હતી. લાપતા સગીરાને 10મી મેં ના રોજ પોકસો ના ગુનામાં તેને પિતા વિકાસગૃહમાં મૂકી ગયા હતા. બાદમાં તે અહીં જ રહેતી હતી અને હાલ ફરાર થતા પાલડી પોલીસે તપાસ હાથ ધરી છે.
   પાલડી પોલીસનું કહેવું છે કે બંને સગીરા પોતાના બોયફ્રેન્ડ નો જન્મદિવસ હોવાથી તે ઉજવવા અથવા તેને મળવા ભાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાલડી પોલીસે એસટી અને રેલવે સ્ટેશન પર હાલ સર્ચ કરી ફરાર સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:17 pm IST)