Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો ખંખેર લેનાર અમદાવાદની ઢબુડી માતાએ તમામ આક્ષેપો નકાર્યા

અમદાવાદ :ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ બંગલામાં કોઈ રહેતુ નથી.

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ મૂળ રૂપાલ ગામનો છે, પણ હાલ તે અમદાવાદમાં રહે છે. તે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિવ્યકુંજ સોસાયટીમાં બંગલા નંબર 20માં રહે છે. સ્થાનિક પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, ધનજી બંગલમાં 36 હજાર માસિક ભાડું ચૂકવીને રહે છે. તે છેલ્લાં 6 મહિનાથી રહે છે. જોકે, બંગલામાં ચેક કરતા ધનજી કે તેને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી હતી. પરંતુ તેનો એક ભક્ત મળી આવ્યો હતો.

હાલ, બંગલાની બહાર નોટિસ લગાવવામાં આવી છે. નોટિસ બંગલાના મૂળ માલિકે લગાવી છે. જેમાં લખ્યું છે કે, યાદવ સુશીલકુમાર અમરસિંહ સદર મિલકત દિવ્યકુંજ બંગ્લોઝનો માલિક છું. સદર મિલકત અમોએ તારીખ 16/03/2019 થી ભાડા કરારથી ભાડે આપેલ છે. તેની જાણ અમોએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ કરી છે.

ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે.

(5:06 pm IST)