Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુજરાતના ચકચારી બીટકોઇન કૌભાંડમાં આરોપી શૈલેષ ભટ્ટના સાળીને ખૂનની ધમકી

રાજકોટ: ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં ચકચારી બીટકોઈન કેસ અનેક અવનવા વળાંકો આવ્યા હતા ત્યારે હવે વધુ એક નવો વળાંક આવ્યો છે જેમાં આરોપી શૈલેષ ભટ્ટનો એક મોબાઈલ હતો જે મોબાઈલ શૈલેષ ભટ્ટે પોતાની સાળી નિશા ગોંડલીયાને આપ્યો હોવાનું સામે આવ્યું છે. શૈલેષ ભટ્ટ ની સાળી નિશાએ અમદાવાદ બાદ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી જયેશ પટેલ વિરુધ્ધ આરોપ લગાવ્યા હતા. જયેશ પટેલના માણસો દ્વારા ગઈકાલે રસ્તા પર જઇ નિશાને મીડિયામાં નિવેદનો આપવા બંધ કરવા કહી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

નિશા ગોંડલીયાના જણાવ્યા અનુસાર જામનગરના જયેશ પટેલ અને નિશાનો સંપર્ક થયો હતો અને તે દુબઇમાં મળ્યા હતા. દુબઈમાં મુલાકાત સમયે જયેશ પટેલએ મોબાઈલ ફોન ચોરી બીટકોઈન ચોર્યાનો આરોપ લગાવ્યો હતો. સાથે જએ સમયે દુબઇ પોલીસનો સંપર્ક કરી તેઓ રક્ષણ મેળવી ભારત પરત ફર્યા હતા અને તેઓએ સમગ્ર મામલે ગઇકાલે ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડાને લેખિત રજુઆત કરી માહિતી આપી હતી. અને સમગ્ર મામલે સાક્ષી બનવા જણાવ્યુ હતું જે માટે તેને પોલીસ રક્ષણની માંગણી કરી છે.

બીટકોઈન મામલે નિશા ગોંડલીયા કરેલ પત્રકાર પરિષદ બાદ નિશાને જાનથી મારી નાખવા ધમકી જયેશ પટેલ તરફથી મળી રહી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જયેશ પટેલની સાથે અનેક રાજકારણી અને પોલીસની સંડોવણી હોવાનો પણ આરોપ નિશા ગોંડલીયાએ લગાવ્યો હતો. જે પોલીસ રક્ષણ મળ્યા બાદ નામ જાહેર કરશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ બીટકોઈન મામલે રાજકોટ કનેક્શન સામે આવ્યું હતું જેમાં આરોપી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ જોષીની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

(5:03 pm IST)