Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કોરોનાના મૃતકો માટે કોવીડ સ્મશાનની ઉમદા વ્યવસ્થા કરાઈ

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના આ ઉમદા કાર્યમાં રાજપીપળા નગરપાલિકાએ જમીન લેવલ માટે જેસીબીનો સહયોગ આપ્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે પણ કોરોના કહેર વધ્યો છે. કોરોનામાં રાજપીપળાના કેટલાક દર્દીઓ એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આવા સંજોગોમાં રાજપીપળામાં કોવીડની સારવાર દરમ્યાન મૃત્યુની સઁખ્યા વધી રહી હોય મૃતકના અંતિમ સંસ્કાર પણ રાજપીપળાના સ્મશાન ગૃહમાંજ થતા હતા પરંતુ કોવીડ મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી અલગ કોવીડ  સ્મશાન બને તેવી સ્થાનિકોની માંગ હતી ત્યારે તંત્ર દ્વારા આ સેવાકીય કામ માટે રાજપીપળાના સેવાભાવી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજને વાત કરાતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હાલમાં રાજપીપળામાં આવેલ સ્મશાનગૃહની પાછળ આવેલી જમીનનું લેવલ કરાવી ખાસ કોવીડ સ્મશાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી હવે કોવિડની સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દી ની અંતિમ વિધિ આ કોવીડ  સ્મશાન ખાતે કરાશે અને આ માટેનો તમામ ખર્ચ રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ કરશે.
આ સરાહનીય કાર્યમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઈ ગાંધી સભ્યોમાં ગુંજન મલાવિયા,ઉરેશ પરીખ,કૌશલ કાપડિયા તથા કેયુરભાઈ ગાંધી એ પોતાની જવાબદારી સ્વીકારી આ સેવાકીય પ્રવૃત્તિ ની શરૂઆત કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકડાઉન ની શરૂઆત થી અનલોક-૨ સુધી રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક  સમાજ દ્વારા રોજના કેટલાય શ્રમિકો અને કોરોના વોરિયર્સ ને નિયમિત ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આમ એક બાદ એક આવી સેવાકીય પ્રવૃત્તિ માં તંત્ર સાથે ખભા મિલાવી ચાલતું આ સમાજ લોકહીત માટે હંમેશા તત્પર જોવા મળે છે

(11:06 pm IST)