Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઓગસ્ટમાં ગણેશોત્સવ, જન્માષ્ટમી, બકરી ઇદ, સંવત્સરી ભાદરવી પૂનમ જેવા પર્વો-ઉત્સવોના મેળાવડાઓ, જાહેર સમારંભો ન યોજવા નાગરિક-સમાજો સ્વયંભૂ પહેલ કરે:વિજયભાઈ રૂપાણી

વડોદરામાં ગોત્રી અને સયાજીરાવ હોસ્પિટલોમાં હાલના રપ૦ વેન્ટીલેટર્સ ઉપરાંત જરૂર જણાયે વધુ વેન્ટીલેટર્સ આપવાની તેમજ બેડ વધારવાની પણ વ્યવસ્થાઓ કરાશે

રાજકોટમાં જરૂર પડ્યે 2500 બેડ ઉપલબ્ધ, લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી,રાજકોટ અને વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોરોનાના કેસ મામલે અને રિકવરી રેટ મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્ય કરતાં સારી છે: અગાઉ અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ખુબ ગંભીર હતી પરંતુ સરકારે માઈક્રો પ્લાનિંગ કરી અને ત્યાં પણ સ્થિતિને કંટ્રોલ કરી છે
રાજકોટ-વડોદરામાં ટેસ્ટ્સ વધારવામાં આવશે, વધુ ધન્વંતરિ રથ ફાળવાશે, રાજકોટ અને વડોદરાને વધુ રૂપિયા પાંચ-પાંચ કરોડની ફાળવણી કરી છે

અમદાવાદ અને સુરતની સ્થિતિ સુધાર્યા પછી હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ અને વડોદરાની પરિસ્થિતિ સુધારવા અને કોરોનાની નાગચુડમાંથી છોડાવવા સંકલ્પ લીધો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી રાજકોટ અને વડોદરાની મુલાકાતે ગયા હતા. આજે સવારથી જ બેઠકોનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પત્રકારોને માહિતી આપી હતી. આ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસ મામલે અને રિકવરી રેટ મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્ય કરતાં સારી છે. અગાઉ ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ખુબ ગંભીર હતી પરંતુ સરકારે માઈક્રો પ્લાનિંગ કરી અને ત્યાં પણ સ્થિતિને કંટ્રોલ કરી છે.

તેમણે કહ્યું હતું કે હવે રાજકોટ ખાતે પણ કેસ વધી રહ્યા છે પરંતુ આ સ્થિતિને કંટ્રોલમાં લેવા પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જરૂર જણાશે તો કંન્ટેઈમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે. રાજકોટમાં જરૂરી સારવારના સાધનો અને ડોક્ટરો સહિતનો સ્ટાફ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય એક મોટી જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી. રાજકોટમાં કોરોનાલક્ષી વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીએ વધારાના 5 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના દર્દીઓ પણ સારવાર માટે રાજકોટ આવે છે ત્યારે અહીં હોસ્પિટલ પર પ્રેશર વધારે હોય છે. તેવામાં ધનવંતરી રથનું પ્રમાણ પણ વધારવામાં આવશે. CM વિજયભાઇ રૂપાણીએ શાકભાજીની ફેરી-લારીવાળાઓ, થડાવાળાઓ જેવા સુપર સ્પ્રેડરનું સ્ક્રીનીંગ, ટેસ્ટીંગ હાથ ધરીને કોરોના સંક્રમણ નિયંત્રણ ઝૂંબેશ વેગવાન બનાવવા સાથોસાથ રાજકોટ અને વડોદરામાં થતી કોરોના ટેસ્ટીંગની સંખ્યા બે ગણી કરવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ માટે જરૂરી તબીબી-સારવાર સાધનો, એકસ-રે મશીન, ટેસ્ટીંગ કિટસ વગેરે રાજ્ય સરકાર આપશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સુપર સ્પ્રેડરની ભાળ મેળવવા પ્રોવિઝન સ્ટોર્સ, કરિયાણાના દુકાનદારો વગેરેના ક્રમશ: ટેસ્ટીંગ-સ્કીનીંગ માટે પણ તંત્રવાહકોને સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા રોજની ર૦ હજાર કરાશે તેમ પણ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ વડોદરામાં ગોત્રી અને સયાજીરાવ હોસ્પિટલોમાં હાલના રપ૦ વેન્ટીલેટર્સ ઉપરાંત જરૂર જણાયે વધુ વેન્ટીલેટર્સ આપવાની તેમજ બેડ વધારવાની પણ વ્યવસ્થાઓ કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે આગામી દિવસોમાં ઓગસ્ટ મહિનામાં ગણેશોત્સવ, જન્માષ્ટમી, બકરી ઇદ, સંવત્સરી ભાદરવી પૂનમ જેવા પર્વો-ઉત્સવોના મેળાવડાઓ-જાહેર સમારંભો ન યોજવાની સ્વયંભૂ જાહેરાત માટે પણ નાગરિક-સમાજોને અપિલ કરી હતી. વિજયભાઇ રૂપાણીએ વડોદરા જિલ્લાના ખાસ કરીને ડભોઇ, સાવલી, પાદરામાં અઠવાડિયે એકવાર તમામ લોકોના સર્વેલન્સ સ્કીનીંગ કરી સંક્રમિતો શોધવા તથા ઘરે-ઘરે હોમીયોપેથી દવાઓ, ઊકાળા સહિતના આયુર્વેદ ઔષધો વિતરણ કરી રોગ પ્રતિકારકશકિત વધારવાની પણ તાકિદ કરી હતી.

(9:23 pm IST)