Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરતમાં વેપારીએ ફાર્મહાઉસને આઈસોલેશન સેન્ટરમાં ફેરવ્યું

ગરીબોની મદદે વેપારી આવ્યા : લોકોની મદદ કરવા માટે સુરતના બે ઉદ્યોગપતિઓએ પોતાની ખાનગી સંપત્તિના દરવાજા ખુલ્લા મૂક્યા છે

સુરત, તા.૨૯ : સુરતીઓ આમ તો તેમની ઉદારતા માટે જાણીતા છે, પરંતુ કોરોના વાયરસે તેમને પરોપકારી પણ બનાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને જેઓ વાયરસ સામે લડીને સ્વસ્થ થયા છે તેઓ હાલ સંક્રમિત દર્દીઓની મદદ માટે તેમના પ્લાઝ્મા ડોનેટ કરી રહ્યા છે. શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે બે બિઝનેસમેને પોતાની ખાનગી સંપત્તિના દરવાજા કોવિડના દર્દીઓની સારવાર માટે અને તેમના આઈસોલેશન માટે ખોલી દીધા છે અને તેને કેર આઈસોલેશન સેન્ટર્સ ફેરવી દીધી છે. કોવિડ-૧૯ના દર્દીઓ જે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે પરંતુ તેમના પોતાના ઘરે આઈસોલેશન માટેની સુવિધા નથી તેઓ શહેરથી ૩૦ કિમી દૂર આવેલા કામરેજ તાલુકાના સીમાડી ગામના આ ફાર્મહાઉસમાં જઈ શકે છે. અને ૧૪ દિવસનો આઈસોલેશનનો સમયગાળો પ્રકૃતિની ગોદમાં પસાર કરી શકે છે. વધુમાં આ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

            રિયલ્ટર અને સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળા (૩૪) કે જેઓ પોતે વાયરસ સામે સફળતાપૂર્વક લડીને ઉભા થયા છે. તેમણે કોરોનાના દર્દીઓને વિશેષ સુવિધા આપવા માટે પોતાનું ફાર્મહાઉસ ખોલી દીધું છે. ચાર વીઘા જમીનમાં બનેલા ફાર્મહાઉસમાં એકસાથે ૧૫ દર્દીઓ રહી શકે છે. જેમની સંભાળ માટે કેર-ટેકર્સ પણ રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં અહીંયા આવનારા દર્દીઓને ઘરે બનેલો નાસ્તો અને ભોજન આપવામાં આવશે. પ્રવિણ ભાલાળાએ કહ્યું કે, 'રિકવરી થયા બાદ મને ૧૪ દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવીહતી અને મેં કામરેજમાં આવેલા મારા ફાર્મહાઉસમાં રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યાં રહેવા દરમિયાન મને અચાનક તેવા ગરીબ દર્દીઓનો વિચાર આવ્યો જેમની પાસે ઘરમાં આઈસોલેશનની સુવિધા નથી અને પછી મેં કોવિડ-૧૯ના દર્દીઓ માટે મારા ફાર્મહાઉસને સુવિધામાં ફેરવવાનું નક્કી કર્યું'.

               ભાલાળાએ કહ્યું કે, હાલ ફાર્મહાઉસ પર ૪ દર્દીઓ આઈસોલેશનમાં છે. 'મારે અન્ય ત્રણ ફાર્મહાઉસ પણ છે જેને હું કોવિડ-૧૯ના દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટરમાં ફેરવવાનું વિચારી રહ્યો છું', તેમ તેમણે ઉમેર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, એપ્રિલ મહિનામાં ઓલપાડ તાલુકાના વેલંજા ગામમાં ૨૦૦ તૈયાર ફ્લેટ સાથેના પોતાના રેસિડેન્શિયલ પ્રોડેક્ટને કોવિડ કેર સેન્ટરમાં ફેરવનાર ભાલાળા પહેલા વ્યક્તિ હતા. તો બીજી તરફ હોસ્પિટલે મસમોટુ બિલ પકડાવ્યા બાદ અન્ય ૫૯ વર્ષના એક રિયલ્ટર કાદર શૈખે અડાજણ પાટિયા વિસ્તારમાં ૩૦ હજાર સ્કવેરફિટમાં આવેલી પોતાની ખાનગી ઓફિસની જગ્યાને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દીધી છે, જ્યાં કોવિડ-૧૯ના દર્દીઓને તેઓ ફ્રીમાં સારવાર આપી રહ્યા છે. શૈખના મોટા ભાઈ ગુલાબ શૈખનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ૧૦ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલે તેમની પાસેથી સારવારના ૧૨ લાખ રૂપિયા લીધા હતા. શૈખને તે ગરીબ લોકોનો વિચાર આવ્યો જેમને ખાનગી હોસ્પિટલોનો ખર્ચ પોષાય તેમ નથી અને તેથી તેમણે આ નિર્ણય લીધો. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની મદદથી અમે ૮૪ બેડવાળી હોસ્પિટલ ઉભી કરવામાં સફળ રહ્યા. જેમાંથી ૭૪ ઓક્સિજન બેડ છે જ્યારે ૧૦ વેન્ટિલેટર્સ સાથેના આઈસીયુ બેડ છે.

(8:14 pm IST)